Input Content

માનવીએ કેટલી ઉંમરે, કઇ પરિસ્થિતિમાં કેટલું ખાવું એનો કોઇ માપ કાઢવાની કોઇ મશીનરીની શોધ થઇ નથી પણ માનવનું મન અને મગજ એનો દોરી સંચાર કરે છે. ક્ષુધા-મર્યાદા એ માનવીની વ્યક્તિગત સંચાર દોરી છે.

જમવાનું કંઇક વધારે પડતું સ્વાદિષ્ટ કે પછી મસાલેદાર હોય તો ભૂખ કરતાં કે પછી જરૂરત કરતાં સહેજે વધારે ખવાઇ જાય. ભોજન જો તમતમતું કે મનગમતું ના હોય તો પછી ભૂખ પુરતું જ ખવાય અને ઘણી વખત પીરસનાર બહુ પ્રેમથી પીરસે તો બે રોટલી વધારે પણ લઇ લેવાય અને થોડાંક ગુલાબજાંબુ પણ માનમાં પેટમાં મૂકી દેવાય. પ્રાસંગિક જમણવારમાં વેવાઇ-વેવાઇને કે વેવાણ વેવાણ ને પ્રેમનું વધારાનું મિષ્ટાન ખવડાવે ત્યારે એની કોઇ મર્યાદા હોતી નથી.

ભોજનમાં જેટલો સ્વાદ ઓછો એટલું ભોજન ઓછું લેવાય અથવા તો તેથી કરીને મર્યાદા પુરતું જ ભોજન લેવાય અને એવો જ માનવી ભક્તિમય કાર્યકરી શકે. એવો જ માનવી ભજન-કીર્તન કરી શકે.

બાકી ખાવા-પીવામાં બહુ જ પારંગત હોય, હંમેશા સ્વાદિષ્ટ મસાલેદાર ભોજન લેતો હોય એ પ્રભુની સાચી ભક્તિ કરી શકે નહિ. સાધુ-સંતોને સ્વાદ વિનાનું અને મર્યાદિત ભોજન લેવાનું શાસ્ત્રોમાં સૂચન છે. સતસંગી વર્ગને પણ મર્યાદામાં રહીને પેટપૂજા કરવામાં હીત છે. ભોજન વિવેકથી થાય એટલું સારૂ. ભૂખને મટાડવા પૂરતું ભોજન લેવાય તો સારૂ-પેટ સામું જોઇને ભોજન કરો. જીભના સ્વાદને આધીન થઇને ખાયા જ ન રાખો.

ભોજન કરવું એ પ્રભુમય કાર્ય છે, પણ જીભના સ્વાદને પોષવો એ વિષયમય ક્રિયા છે. ઘણીવાર જમતાં જમતાં ઓડકાર આવે તો પણ માનવી ભોજન સરવાનું ચાલુ રાખે. ઓડકાર એ ભૂખની તૃપ્તીનો સાદ છે. ઓડકાર એ ભોજનની મર્યાદા-સીમા છે. અને પછી પેટમાં ચૂંકા આવે કે આફરો ચડે ત્યારે ગોળીઓ ખાધા કરે.

ખાવામાં સ્વાદને મહત્વ ન આપો. સાદુ ભોજન ભક્તિમય છે. જીભના સ્વાદને પોષવા માટેનું ભોજન ભજન વિરુધ્ધ છે. માટે હંમેશા ભૂખ હોય એનાથી થોડું ઓછું ખાવું. ત્રણ રોટલીથી ચાલી જાય તો ચોથી ના લેવી. હોંશે હોંશે કોઇ મિષ્ટાન્ન ન લેવું.

હોંશે હોંશે તળેલી વસ્તુઓ પણ પેટમાં પધરાવવી નહિ. એમ કરવાથી આપણો સંયમ તૂટે છે. જીભની અને પેટની મર્યાદા તૂટે છે અને ન આવવાના અનેક રોગો આપણાં શરીરને હેરાન કરે છે. જેથી માનવી રોગોનાં નિવારણમાં એટલો રચ્યો-પચ્યો થઇ જાયા છે કે પ્રભુ-ભક્તિમાં એની પાસે.. સમય રહેતો નથી અને ઘણી વખત વધારે પડતું ખાવાથી એ આળસને આમંત્રે છે. જેથી એનું કાર્ય સંપૂર્ણ રીતે કરી શકતો નથી.

જરૂર કરતાં વધારે ભોજન લેવાથી પેટ ભારે થઇ જાય છે. જેથી શરીરમાં તંદ્રા અને સુસ્તી પેદા થાય છે. ઘણી વખત ખોટા સમયે પણ નિંદર આવતી હોય છે. કર્તવ્ય દરમિયાન પણ ઝોકાં ખાવાં પડે છે. વિધાર્થીઓ ક્લાસમાં ઝોકાં ખાય છે, ઓફીસરો ટેબલ પર ઝોકાં ખાય છે, દુકાનદારો જરાક નવરા પડતાં ઘેંનમાં ઘેરાયા છે.  ભરપેટ જમીને વાહન ચાલક ગાડી ચલાવતા ઝોકાં ખાય છે. જે અતિ જોખમદાયક છે. કથા સાંભળતી વખતે શ્રોતાજનો નિંદ્વાવશ થાય છે, વાતવાતમાં બગાસાં આવે છે. કોઇ વાતમાં ધ્યાન કેન્દ્રીત થતું નથી.

પેટ-પૂજાની મર્યાદા વટાવી જતાં પેટમાં અનેક તકલીફો પ્રગટ થાય છે. પેટમાંચૂંક આવવી, ઘણી વખત અસહ્ય દુ:ખાવો થવો, આફરો, અપચો જેવા સંજોગો પણ પેદા થાય છે. પેટમાં વાયુ ભરાય છે. પિત ઉકળે છે. બેચેની સાથે માથાનો દુ:ખાવો થાય છે. અયોગ્ય જગાએ અને અયોગ્ય સમયે ઓડકાર પણ આવે છે અને બગાસાં હેરાન-પરેશાન કરે છે. ઘણી વખત કબજિયાત થતાં અન્ય રોગો પણ ઉત્પન્ન થાય છે. મોળ ચડે છે. ઊબકા પણ આવે અને ઊલટી પણ થાય છે…. આવી પરિસ્થિતિમાં માનવી પોતાનું કાર્ય બરાબર સંભાળી શકતો નથી.પછી સત્સંગ ભક્તિ ક્યારે કરવા બેસે? ભૂખ્યા પેટે કામ ન થાય. ભૂખ્યા પેટે ભક્તિ પણ ન થાય. એ સ્વાભાવીક છે..

જીવન ચલાવવા માટે પેટ-પૂજા જરૂરી છે પણ એમાં મર્યાદા રાખવી વધારે જરૂરી છે. સુખમય, નિરોગી અને ભક્તિમય જીવન વીતાવવા માટે પેટ-પૂજાની મર્યાદા સખત જરૂરી છે.

જેટલું ભાવે તેટલું અને જેવું ભાવે તેવું જમવું એ શાણપણ નથી …શું ખાવું અને કેટલું ખાવું એનો અરોગ્યમય નિર્ણય લેવો જરૂરી છે. જમણવારમાં જઇએ ત્યારે જે વાનગી પીરસાય એ ખાવી જરૂરી નથી. કોઇના ઘરે મહેમાન થઇને જઇએ અને જે કંઇ પીરસે એ ખાવું એ પણ જરૂરી નથી. આપણા સ્વાસ્થ્યને અનુકુળ ખોરાક લેવાનો આગ્રહ રાખવો જરૂરી છે. શું પીરસવું અને શું ન પીરસવું એ યજમાનનું કાર્ય છે. શું ખાવું અને શું ન ખાવું , કેટલું ખાવું એ આપણા હાથની વાત છે. જમવામાં જેટલો સાતવીક ખોરાક લેવાય એટલું સારૂં. વધારે પડતું મીષ્ટાન્ન શરીરને હાનીકારક. વધારે પડતું નીમક પણ અનેક રોગો પેદા કરે. બહુ તીખુ ખાવાથી પિત તો જરૂર થાય…

પેટ થોડું ખાલી રહે એ પ્રમાણે  જમવું. ઠાંસી ઠાંસી ને જમનારના જીવનમાં અનેક રોગો પેદા થાય છે…. કોઇ સ્નેહીના આગ્રહ કે દબાણને વશ થઇને વધારે કે શરીરને ન પોષાય એવું ન ખાવું. જમતાં પહેલાં ન માફક આવતા ખોરાકની ચોખવટ કરવી જરૂરી છે. નાહકના પાછળથી હેરાન થવું યોગ્ય નથી.

No Comment

Comments are closed.