ત્રિકમલાલને અચાનક હેડકી ઊપડી. એકી સાથે ઊપરા-ઊપરી ચાર હેડકી આવે. જરાક બંધ થાય પાછી ચાલું. ખુબ પાણી પીવડાવ્યું, ગભરાવી પણ જોયા પણ હેડકીનો વેગ બંધ ન થતાં ગામડાનાં દાકતરનું શરણું લીધું. દાકતરે ગોળીઓ આપી. સવાર સુધીમાં હેડકીએ દાદ ન દીધો. સવારના પહોરમાં ઊપરા-ઊપરી ઇંજેક્શનો પણ લીધાં. બપોર સુધીમાં હેડકીમાં કોઇ ફેરફાર ન જણાતાં શહેરના નામાંકિત દાક્તર પાસે ત્રણ કલાક લાઇનમાં બેસતાં વારો આવ્યો.
દાક્તરે ભારે ઇંજેક્શન આપ્યું, છ ટીકડી આપી, બે-ત્રણ કલાકમાં સાવ બંધ થઇ જશે એવી મોટી આશાએ ગામડે આવ્યા. ત્રણ કલાક તો ઠીક પણ બીજા નવ કલાક સુધી પણ હેડકી તો એજ વેગમાં હતી. ત્રિકમલાલ ગભરાયા. માર માર કરતા ટેક્સી ભાડીને સીધા પહોંચ્યા મારે ઘેર. મારાં દવાખાનું બંધ થઇ જવાનો સમય હોવાથી યોગેશ્વરનગરમાં સીધા મારે ઘેર.
ત્રીકમલાલની પરિસ્થિતીનો તાગ કાઢીને મેં મારાં પત્નીને અડદનો લોટ અને થોડી હીંગ મિશ્ર કરીને નાકમાં નસ્ય આપવાની ક્રિયા બતાવી. ધૂપ કરવાની વાટકીમાં શ્વાસ-કુઠાર રસનો ભૂકો કરીને ઘીમાં બાળીને એનો ધુમાડો નાકમાં જાય એવી ગોઠવણ કરી. અડધા કલાકમાં હેડકીનો વેગ થોડો ધીમો પડ્યો. નસ્ય ચાલુ રાખ્યું અને ધૂમાડો પણ ચાલુ રાખ્યો. ત્રીકમલાલની ગૂંગડામણ વચ્ચે એક કલાકમાં હેડકી ઓછી થઇ અને કંઇક રાહત દેખાડી ત્યારે અડધો કલાક આરામ આપીને નાકનાં બન્ને નસકોરામાં ગરમ ઘીના ચાર-ચાર ટીપાં સૂવડાવીને નાખ્યા. અડધા કલાકમાં ઘણી રાહત જણાતાં મેં એમને ફરી નસ્ય આપી.
મારા ઘરે જ સૂવડાવી દીધા. રાત્રે અગિયાર વાગ્યે ફરી પાછાં નાકમાં ઘીનાં ટીપાં નાખવામાં આવ્યાં અને ત્રીકમલાલની હેડકી સાવ બંધ થઇ ગઇ અને નસકોરાંનો અવાજ આવતાં એમને ઊંઘવા દીધા.
સવારે નસ્ય આપી,નાકમાં ઘી નાં ટીપાં નાખીને થોડીવાર આરામ કરીને ચા-પાણી નાસ્તો કરીને ત્રીકમલાલ જયારે ગામડે જવા તૈયાર થયા ત્યારે હેડકી માત્રનું નામ-નિશાન નહોતું. ખાવા-પીવામાં થોડી પરેજી આપીને બે દિવસ રાત્રે નસ્ય અને ઘીનાં ટીપાંની ભલામણ કરીને મેં જ્યારે ત્રીકમદાસને વિદાયગીરી આપી ત્યારે આર્યુવેદ અને દેશી ઉપચાર પ્રતિ એમના ચહેરા પ્રત્યે શ્રદ્વા ચમકારો મારતી હતી. આર્યુવેદમાં એમરજન્સી સારવાર નથી એ માનતા અહિં ખોટી પડતી હતી.
No Comment