Input Content

રસોડાના દરેક મસાલામાંથી હિંગને શ્રેષ્ટનું બિરૂદ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં એ મુખ્યત્વે શાક વઘારવામાં વપરાતી હોવાથી એ ‘વઘારણી’ તરીકે પણ જાણીતી છે. ગામડામાં એ વેઘાણી તરીકે ઓળખાય છે અને પેટના અન્ય રોગોમાં એનો છુટથી વપરાશ થાય છે.

હિંગ સ્વાદે તીખી અને તાસીરમાં ગરમ હોય છે. પચવામાં હળવી છે જેથી વાયુનાશક ઔષધોમાં હિંગનું સ્થાન મોખરે છે. ગરમ પ્રકૃતિની હોવાથી કફને તોડે છે અને પિત્તને વધારનારી છે. હિંગ ભૂખ લગાડનાર, અરૂચિ દૂર કરનાર, મળશુદ્વિકરણ, વાયુને સવળે માર્ગે ધકેલનાર હોવાથી પાચનતંત્ર માટે બહુ જ અસરકારક ગણાય છે. હિંગમાં દુ:ખાવો હળવો કરવાનો પણ ગુણ છે.

વઘારમાં નિત્ય હિંગનો વપરાશ ગેસ અને કફના રોગમાં હિતદાયક જણાય છે. જેમને પિત્ત, એસીડીટી હોય એમણે હિંગ થોડી માત્રામાં જ વાપરવી અને તે પણ સાચી તપાસ કરીને ઘીમાં તળીને જ વાપરવી. બજારમાં આજે નકલી હિંગનું વહેંચાણ પણ ચાલુ છે. નકલી હિંગ વધારે પ્રમાણમાં લેવાથી લોહીમાં બગાડ થાય છે અને ચર્મરોગ પણ જોવામાં આવે છે. ઘણી વખત અવાજ ખોખરો બની જાય છે કે સાદ બેસી જવાનો અનુભવ પણ થાય છે. સાચી હિંગ વાયુ નાશક હોવાથી વાયુના તમામ રોગોમાં કામ લાગે છે.

આયુર્વેદમાં પ્રખ્યાત હિંગવષ્ટ ચૂર્ણ, હિંગાવષ્ટક ટીકડી, કપુરહિંગુવટી, હિંગવટી જેવી દવાઓ ગેસ, વાયુના દર્દમાં કે દુ:ખાવામાં તાત્કાળ રાહત આપે છે.

તમામ જાતના ઉદર રોગો ઉપરાંત, કૃમિ, જુની શરદી, અજીર્ણ, ઉધરસ, ત્રિદોષ્મ જવર, ગર્ભસ્ત્રાવ, વરાધ અને શ્વાસમાં હિંગનો વપરાશ લાભદાયક જણાયો છે.

દંતકૃમિમાં તેમજ દાઢના સળામાં હિંગ દબાવવી કે હિંગવાળા પાણીના કોગળા ભરવા અકસીર ઇલાજ પુરવાર થયો છે. કાનમાં દુ:ખાવો હોય, અવાજ આવતો હોય કે ધાક બેસી ગઇ હોય કે પછી ઓછું સંભળાતું હોય એવા કેશોમાં થોડા રૂમાં હિંગનો પાવડર લપેટીને કાનમાં રાખવાથી ચમત્કારીક લાભ જણાય છે. આધાશીશી જેવા માથાભારે માથાના દુ:ખાવામાં નાકમાં હિંગના પાણીનું નસ્ય આપવું. કપાળ પર હિંગ અને સૂંઠને દુધમાં પીસીને લેપ કરવો.

આમ હિંગ દરેકને વાપરવા જેવી અને ઘેર ઘેર સંગ્રહ કરવા જેવી આરોગ્ય પ્રધાન ઔષધી છે. હિંગની તીવ્ર વાસ અને ગરમ તાસીરના કારણે ધાર્મીક શાસ્ત્રોમાં એનો ઉપયોગ નિષેધ ગણાયો છે. છતાંય ઔષધીમાં આજે દરેક ધર્મના અનુયાયીઓ એનો વપરાશ કરે છે. હિંગના ગણ્યા ગાંઠ્યા દુર્ગુણો સામે અનેક સદગુણો હોવાથી ‘વઘારણી’ તરીકે એ ઘર ઘરની માનીતી બની ગઇ છે. ઇમરજન્સી ઉપયોગમાં ખાસ કરીને વાયુના ગોળા વખતે કે ગેસના સખ્ત ભરાવાને કારણે થતી પેટની તીવ્ર પીડામાં દુટીની આજુબાજુ સાચી હિંગનો લેપ કરવાથી તાત્કાલીક રાહત મળી જાય છે.

No Comment

Comments are closed.