Input Content

જીવનમાં જે મનુષ્ય સાચા અર્થમાં હાસ્યરસ પચાવી જાણે છે. એના જેવો તંદુરસ્ત અને સુખી માણસ આ દુનિયામાં બીજો કોઇ જ નથી. શુદ્વ હાસ્યરસએ અનેક કષ્ટ સાધ્ય બિમારીઓનો અકસીર ઇલાજ છે. કારણ કે શારીરિક વિજ્ઞાનની દષ્ટીએ જોવા જતાં ચહેરા પરનું કુદરતી હાસ્ય શરીરની તમામ ક્રિયાઓને નિયમિત નિરોગી અને સક્રિય રાખતું હોવાથી મિથ્યા બિમારી પ્રવેશનો ભય રહેતો નથી.

મુખ મંડળને હસતું રાખવા માટે નાડીના ફક્ત આઠ જ તારને વાપરવા પડે છે. જયારે આવેશ, ગુસ્સો અને ગંભીરતા માટે પુરા છવ્વીસ તારોને જાગૃત રહેવું પડે છે. સહેજે સમજી શકાય તેવી હકીક્ત છે.

દેખીતી રીતે ગંભીરતા, ગુસ્સો અને આવેશ એ રોગનાં પ્રવેશદ્વાર છે. વાત વાતમાં મગજ પરનો કાબૂ ગુમાવતો કે પછી વાણી પર સમતોલન ગુમાવતો માનવી મોટા ભાગે રોગી અવસ્થામાં જ દેખાય છે. બાકી ગમે તેવા કપરા સંજોગોકાળમાં પણ ચહેરા પર હાસ્ય કેળવતો માનવ એના મગજ પર કાબુ મેળવીને વાણી સંયમ કેળવી જાણે છે. જેથી કરીને એના સામે ઘૂરકીયાં કરતી ભયંકર બિમારીમાંથી પણ એ આસાનીથી છટકી શકે છે. નાની નાની બિમારી તો એની નજીક જ નથી ફરકતી.

જીવન એ સંગ્રામ છે. એ જાણનાર વ્યક્તિ જો શાંત ચિતે, હિંમતથી અને ધીરજથી જીવનનો સંગ્રામ ખેલે તો એના જીવનની અડધી મુશ્કેલીઓ દુર થઇ જાય. બાકી રોતલ ચહેરો રાખી, હતાશ થઇ, નિરાશાને પંપાળીએ તો આપણા જીવનમાં સઘળું મુશ્કેલ બની જાય. રોજીંદા રોદળા કે ઉગ્ર સ્વભાવ કે વાતવાતમાં વિવાદ એ વણનોતરી બિમારીના ચિન્હો છે. આજના સંજોગોમાં આરોગ્યલક્ષી જીવન વીતાવતા મનુષ્યોને આ હકીકત સમજવા જેવી છે. જીવનની તમામ મુશ્કેલ પળો, આધીવ્યાધી જો આપણે હળવાશમાં લઇએ તો આપણી તંદુરસ્તી પર એની ખોટી અસર નહિ થાય અને એનો સુખમય ઉકેલ આવી જશે…. નહિંતર બ્લડપ્રેસર, ડાયાબીટીશ જેવાં ગંભીર દર્દોનો ભય આપણા જીવનમાં લટકતી તલવારની માફર કાયમી જણાશે. ગેસ, એસીડીટી, પેટમાં ચાંદા, માથાનો સખ્ત દુ:ખાવો, હીસ્ટરીઆ જેવા દર્દો ખોટી ગંભીરતાનાં પરિણામો છે.

જીવનમાં ડગલેને પગલે હાસ્યરસ પેદા કરવો, અનુભવ કરવો એ સાચી તંદુરસ્તીની નિશાની છે. હાસ્યરસથી ગમે તેવા તંગ વાતાવરણમાં પણ જીવન આવે છે. અને ગમે તેવા કપરાં સંજોગોનો પણ શાંતિમય ઉકેલ આવે છે. હાસ્યરસ એ માનવ સ્વભાવનો એક આગવો ગુણ છે. હાસ્યરસ એ સાચા અર્થમાં અકસીર ઔષધી છે.

એ ગુણનું પોષણ દરેક માનવીના જીવનમાં અવશ્યક છે. સાચાં હાસ્યરસના સાનિધ્યમાં રહેતો માનવી જીવનમાં અનેક રોગોથી દુર રહે છે. દવાદારૂના ખોટા ખર્ચાથી બચી જાય છે. હોસ્પિટલ અને દક્તરોની મુલાકાતથી વંચીત રહે છે. એના જીવનમાં હંમેશા સુખશાંતિ અને પ્રગતિની લહેરો ઉછળતી જોવા મળે છે. એનું મિત્રમંડળ બહોળું હોય છે.

આજના આધુનિક યુગમાં અનેક બિમારીઓમાં આડેધમ દવાઓની આડ અસરથી બચવા માટે પ્રાકૃતિક ચિકિત્સાએ આજના જમાનાને ‘સ્માઇલો-થેરાપી’ ની અણમોલ જડીબુટી અર્પણ કરીને જગતને નવો રાહ ચીંધ્યો છે. વગર પૈસાની આ અકસીર થેરાપી સૌએ અજમાવવા જેવી છે. જીવનમાં તમામ ક્ષેત્રે હાસ્યરસનો સહારો લઇને જીવન સરળ અને આરોગ્ય પ્રધાન બનાવો. હાસ્યરસથી મિત્ર વર્તણૂકમાં વધારો થાય છે. અડોશપડોશમાં પણ સબંધો સારા રહે છે અથવા સુધરે છે. ચહેરા પર હંમેશા સ્મિત ફરકાવતા માનવીનું જીવન સુખ અને શાંતિથી છલકાય છે. સફળતા એની સમીપમાં જ હોય છે. ગમે તેવા કપરાં સંજોગોમાંથી એ આસાનીથી પાર થઇ જાય છે. નિત્ય હાસ્ય રસમાં નવજતો અને હાસ્યરસમાં ફુવારા છોડતો માનવી દાક્તરના દવાખાનાથી ઘણો દુર રહે છે.

વોકીંગ, ટોકીંગ અને લાફીંગ એ સાચા અર્થમાં આરોગ્યની અદભૂત જડીબુટી છે.

અન્ય યોગ આસનોથી પૂર્ણાહીતી સમયે છેલ્લા ભાગે હાસ્ય આસન આજે લોકપ્રિય બની ચૂક્યું છે. દર્દીઓનાં દર્દ હળવા કરવાની એ અકસીર દવા છે. હાર્ટ અને બી.પી.ના દર્દીઓ માટે એ અમૂલ્ય ઔષધી છે.

હમેંશા ટેંન્શનના બોજમાં દબાયેલા રહેતા માનવી માટે એ સફળતાની બાર છે. પબ્લીક રીલેશનનીએ એક અગ્રણીય ચાવી છે. હાસ્યરસ સમય, સંજોગો અને વાતાવરણ જોઇને પીરસી શકાય. અને એ પણ જેમ ખાવાનું સ્વાદિષ્ટ હોવા છતાંય વધારે કે કસમયે ખાવાથી આફરો, કરે એવી જા રીતના અતિ હાસ્યરસ માનવીને અમુક સમયે અળખામણો કરી નાખે છે.

No Comment

Comments are closed.