Input Content

આપણા રસોડામાં હળદરનો રોજનો વપરાશ.. બહેનો શાકમાં એનો છેડેચોક ઉપયોગ કરે. કયારેક હળવી ઉધરસમાં દુધમાં નાખીને એનો ઉપયોગ કરે. બાકી હળદરના અન્ય ઔષધિય ઉપચારનો મોટાભાગની બહેનોને ખ્યાલ હોતો નથી.

હળદર કફ નાશક ઔષધિ હોવાથી શરદી, ઉધરસ, શ્વાસ, ઉપરાંત કાકડામાં પણ એટલી જ લાભદાયક જણાઇ છે. હળદરના ટુકડાને ચુસી પણ શકાય. લીલી હળદરનો પણ એવી જ રીતના ઉપયોગ કરી શકાય.

કાકળાની બિમારી દરમિયાન હળદરનો ઉપયોગ કરતી વખતે ઠંડા, ગળ્યા, ચીકણા અને તૈલી પદાર્થોનો ઉપયોગ ન કરવો.

હળદર એ અકસીર એન્ટીસેપ્ટીક ઔષધી છે. વાગવાથી કે પડી જવાથી જ્યારે લોહી નીકળે ત્યારે રસોડામાં વપરાતી હળદરના ભુક્કાને ઘા પર દબાવી પાટો બાંધી દેવાથી લોહી તુરંત બંધ થઇ જશે. અને રૂઝમાં પણ હળદર મદદરૂપ થશે.

ચામડીના રોગો જેવાકે ખરજવું, ખસ, દરાજ, સફેદ દાગમાં હળદર ખાવામાં તેમજ લેપ કરવામાં એટલી જ ઉપયોગમાં આવે છે. હળદરવાળા ગરમ પાણીનું સ્નાન પણ ચામડીના રોગોમાં ગુણકારી બતાવ્યું છે. આંબા હળદર પીવાથી ચામડીના રોગમાં વધારે ફાયદો જણાશે.

મૂઢમાર માટે હળદર એ અકસીર દવા છે. કંઇક કરડી જવાથી કે ડંખથી સોજો આવી ગયો હોય અને દુ:ખાવો જણાતો હોય ત્યારે હળદર ગરમ કરીને એનો લેપ સોજા પર લગાવી દેવો. વધારે પડતું લોહી વહેવાથી કે લોખંડ વાગવાથી ધનુર થવાની બીક હોય ત્યારે સવાર-સાંજ એક એક ચમચી હળદર મધમાં પાઇ દેવી.

શરીરમાં થયેલા ઘાનો પાક પણ હળદરથી જ મટી જાય છે. આમ હળદર દરેક રસોડામાં પ્રાપ્ત હોવાથી ઘરગથ્થુ ઔષધ તરિકે અગ્રણીય પુરવાર થઇ છે. શાકમાં કે અન્ય પદાર્થોમાં થતો એનો ઉપયોગ આરોગ્ય લક્ષીત જ છે.

હળદરનો સ્વાદ કંઇક તૂરો અને કડવો પણ હોય છે. ડાયાબીટીશમાં આમળાના ચૂર્ણને સમભાગે હળદર ચૂર્ણમાં નાખીને જમ્યા પહેલા અડધા કલાકે એક એક મોટી ચમચી લેવાથી ઘણો ફાયદો જણાય છે. પેશાબમાં દેખાતું ડાયાબીટીશ કાબૂમાં આવે છે અને નવે નવું લોહીનું ડાયાબીટીશ પણ નિયંત્રણમાં રહે છે.

હળદર પીવાથી અને ચામડી પર લગાડવાથી ચામડી મુલાયમ અને તેજસ્વી બને છે. સુંદર ત્વચા માટે હળદરનું સેવન ઘણું જ ગુણકારીક પુરવાર થયું છે.

કબજિયાતમાં હરડે લાભદાયક જણાઇ છે. હળદરનું વધારે પડતું સેવન ઝાડા પણ કરે છે.

લીલી હળદરના ટૂકડા નિમકવાળા પાણીમાં પલાળીને રોટલી સાથે ખાવામાં લઇ શકાય. શાકમાં પણ લીલી હળદર વાપરી શકાય. લીલી હળદર ગુણદાયી હોવા છતાંય એ રંગ ન આપતી હોવાથી બહેનો શાકમાં એનો વપરાશ ભાગ્યે જ કરતી હોય છે.

કફ, ઉધરસ માટે લીલી હળદરનો ટૂકડો મોંમાં મૂકવાથી જેઠીમધનાં લાકડાં કે શીરા જેવું પરિણામ આપે છે. સાદ બેસી જાય એમાં પણ લીલી હળદર ગુણકારી છે.

No Comment

Comments are closed.