Input Content

કોથમીર નામે ઓળખાતા લીલા ધાણા રોજીંદા વપરાશમાં શાકભાજી અને ચટણીમાં પ્રચલીત છે. પિત જવરને મટાડે તે કોથમીર. ગુણમાં ઠંડા હોવાથી પિત્તથી પેદા થયેલા તાવમાં લીલા ધાણાનો રસ અકસીર પુરવાર થયો છે. કાચા કુમળા લીલા ધાણા તરીકે ઓળખાય છે અને પરિપક્વ કોથમીરમાંથી ધાણા તૈયાર થાય છે. કોથમીરનો ઉપયોગ રસોડા ઉપરાંત અન્ય ઘરગથ્થુ ઉપચારોમાં થઇ શકે છે.

દાહ અને તૃષ્ણામાં કોથમીરના રસમાં ખાંડ નાખીને પાવો. બળતરા પર કોથમીરનો ઘાટો રસ પણ ચોપડી શકાય. ખૂબ તરસ વખતે રસ મધમાં મેળવીને પણ લઇ શકાય.

કફ, ઉધરસમાં કોથમીર અને આદુનો રસ મધમાં દિવસમાં ત્રણ વખત ચટાડવો. ગરમીની ઉધરસ હોય તો આદુના બદલે કાળી દ્રાક્ષમાં રસ સાથે પાવો.

ઉલ્ટીમાં પણ જ્યાં સુધી ઊલ્ટી બંધા ન થાય ત્યાં સુધી દર કલાકે કોથમીરના રસમાં મધ મેળવીને (વારંવાર) ચાટ્યા કરવાનું. હરસ મસા પર કોથમીરની થેપલી બાંધવી અને એનો રસ અડધા કપ જેવો દિવસમાં ત્રણ વખત જમ્યા પછી એક કલાકે લેવો.

જેમને મળમાં કરમિયાં દેખાતા હોય કે કૃમિરોગ થયો હોય એમણે શાકભાજીમાં લીલા ધાણાનો ઉપયોગ વધારે કરવો અને એનો રસ મધ મેળવીને રોજ રાત્રે સૂતી વખતે પીવો. નાના બાળકોના કૃમિરોગમાં પણ કોથમીર અક્સીર પુરવાર થયેલ છે.

મંદિરોમાં વહેંચાતી પીંજોરીના પ્રસાદમાં પણ કોથમીર અને સાકરનો ઉપયોગ વિશેષ કરવામાં આવે છે. પીંજોરીનો પ્રસાદ ઠંડક ગુણ ધરાવતો હોવાથી મોટાભાગે ઉનાળાના દિવસોમાં જ વહેંચવામાં આવે છે.

દરેક શુભ પ્રસંગમાં પણ ગોળ ધાળા વહેંચવાનો રિવાજ પણ આરોગ્યની દષ્ટિએ હીતદાયક છે. તેમાંય ગોળધાણા અને ટોપરાનો પ્રસાદ તો આરોગ્ય માટે આર્શીવાદરૂપ ગણાય છે.

આંખોની બળતરા થતી હોય કે વધારે પડતી લાલાસ જણાય ત્યારે સવાર સાંજ કોથમીરનાં રસનાં તાજાં ટીપાં નાખવાથી ઘણો લાભ થાય છે. કોથમીરનો રસ સાકરમાં નાખીને પીવાથી આંખોને ઠંડક મળે છે. આંખોની ઝાંખપ ઓછી થાય છે. અને દષ્ટિમાં પણ સુધારો થાય છે.

પેશાબમાં બળતરા થતી હોય કે ઊનવા જેવું જણાય ત્યારે પણ કોથમીર અને સાકરનો રસ ઠંડો ઠંડો પીવાથી ઘણી રાહત થાય છે. કોથમીર સ્વાદે સ્વાદિષ્ટ, સુગંધી અને પાચનને સુધારવાનો ગુણ ધરાવતા હોવાથી વધારે પડતો કોથમીરનો ઉપયોગ સારી ભુખ લગાડે છે. ધાણામાં વીટામીન પણ સારા પ્રમાણમાં હોવાથી શરીરને પુષ્ટી મળે છે. કોથમીર વરસની કોઇપણ ઋતુમાં લઇ શકાય. પણ કોથમીરનો ગુણ પિતશાંમક અને ઠંડો હોવાથી શિયાળા કરતા ઉનાળામાં એનો ઉપયોગ વધારે ગુણાકારી જણાયો છે.

હદયરોગના રોગી માટે પણ ધાણા આર્શીવાદરૂપ જણાયા છે. મળને  બાંધવાનો અને પેશાબ છુટ લાવવાનો ધાણાનો ગુણ આરોગ્યમાં એનું સ્થાન મજબૂત બનાવે છે.

ઘરે પણ નાનકડી જગામાં કે માટીના કૂંડામાં પણ વાવી શકાય એવી કોથમીર ભારતભરમાં દરેક પ્રાંતમાં ઉગાડાય છે અને વપરાય છે. ગરીબ અને તવંગર એનો છુટથી ઊપયોગ કરે છે.

No Comment

Comments are closed.