Input Content

લંડન શહેર મોટું. મુંબઇ જેવાં અસંખ્ય બહુમાળી મકાનો ધરાવતાં શહેર કરતાંય મોટું. લંડનમાં રહેણાંક વિસ્તારમાં બહુમાળી મકાન બહુ જ ઓછાં જોવા મલે. રહેણાંક વિસ્તારમાં બે માળથી વધારે ઊચ્ચાં મકાનોની પરવાનગી પણ જલ્દી ના મલે.

ફલેટસ ચાર માળખામાં હોય. બાકી તો મોટા ભાગનાં મકાનો મેશોનેટના રૂપમાં… નીચે સીટીંગ- ડાયનીંગ અને રસોડું અને ઊપર અઢીરૂમ અને એક સંપૂર્ણ બાથરૂમ. ભાગ્યે જ કોઇક જ જગાએ નીચે બાથરૂમ હોય. જમ્યા પછી હાથ ધોવા માટે કીચન સીન્ક વાપરવું પડે.

ઊપર નીચે થઇને માંડ સાતસો ચોરસ ફુટ થાય. સહેજ વધારે મોટું હોય તો ક્યાંક સાડા સાતસો થી આઠસો ચો-ફુટ સુધી હોય. પ્લોટ ભલે મોટો હોય. આગળ થોડા બગીચાની જગા રાખવાની હોય કે કયાંક પાર્કીગની જગા હોય. પાછળ બગીચો હોય જ્યાં ખૂણે નાનકડો લાકડાનો સ્ટોર બાંધી શકાય.

સામાન્ય રીતે રહેવામાં મોકળાશ નહિ. નાનાં કુંટુંબને પરવડે પણ જેના પરિવારમાં ત્રણ થી ચાર ઉમંરલાયક છોકરાં અને બે માબાપ હોય એમને સંકળાશ પડે. ઊપરનો એકરૂમ પોતે વાપરે બીજા રૂમમાં માબાપ સૂએ તો ત્રીજો અડધો રૂમ બે બાળકોને સૂવા માટે નાનો પડે. સિવાય કે ડબલ ડેક્ટર બેડ વાપરે. એટલે  એકાદ જણ કાંતો માબાપ સાથે સૂએ અથવા તો નીચે સોફામાં સૂએ. છોકરી ઉંમરલાયક હોય તો એકરૂમની એને જરૂર પડે.

લંડનમાં લાંબો સમય મહેમાન ન પોષય. સામાન્ય મકાનમાં મહેમાનને સૂવા માટે અલગ સગવડ નહોય. મકાનની મુખ્ય દીવાલો પથ્થરની હોય. બાકી અંદરનાં પાર્ટીશન કે સીડી લાકડાંની હોય. નીચે સ્લેબ પણ લાકડાંની. રૂફ પર મોટા ભાગનાં નળિયાં હોય. ફ્લોરમાં કારપેટ હોય. વળી ક્યાંક સીટીંગ ડાઇનીંગમાં વૂડ બ્લોક દેખાય. દરેક બાથરૂમમાં ટબ હોય. નહાવાની પણ એટલી આઝાદી નહિ. બહાર પાણી ઢોળાય નહિ એની તકેદારી રાખવી પડે. બાકી ગરમ-ઠંડું પાણી ચોવીસ કલાક. રસોડામાં ગેસ ચોવીસ કલાક કોપર પાઇપની લાઇનમાં આવે. તમામ રૂમ, રસોડાં કે બાથમાં પણ હીટર હોય જે ગેસ વાપરે. જરૂર પ્રમાણે ગેસ-હીટર વપરાય.

દીવાલોમાં રૂપકડાં વોલપેપર હોય જેથી રૂપકડી લાગે. રસોડામાં ફ્રીઝ અને માઇક્રોવેવ અને જો બીજી જગાએ જગા ન હોય તો ધોબી સીન્ક પણ ત્યાં જ હોય. જયુસર, ટોસ્ટર, સ્લાઇસર દરેક રસોડામાં હોય. સફાઇ માટે ખાસ હુવર હોય. કચરો બહુ ઓછો. ધૂળ ભાગ્યે જ હોય જેથી રોજીંદી સફાઇની જરૂર ન પડે. અઠવાડિયામાં એક વખતે કરે તો પણ ચાલે. બાકી નજીવા કચરા માટે હેન્ડ હુવર વપરાય.

બુટ-ચંપલ માટે ખાસ જગા હોય. શિયાળા-વર્ષાઋતુમાં ખાસ કોટ ટાંગવા પણ અલાયદ વ્યવસ્થા હોય. છત્રીનું એવું જ.. સીડી નીચે નાના સ્ટોરમાં વધારાનાં ડ્રીન્ક્સ કે અન્ય વસ્તુઓ પડી રહે. લાઇટ-ગેસનાં મીટર પણ એમાં હોય.

લાઇટ કે પાણી ભાગ્યે જ બંધ થાય. કારણોસર થોડો સમય બંધ રહેશે એની અગાઉથી જાણ કરવામાં આવે. પાણી બંધ હોય ત્યાં સુધી ખાસ પાણી પહોંચાડવાની નગરપાલિકા સગવડ કરે.

મોટા ભાગનાં મકાનો એક બીજાને અડેલાં દેખાય. દરેક સ્ટ્રીટ પર મોટે ભાગે એક જ ડીઝાઇનનાં મકાન જોવા મલે.

પ્રસંગ પર મહેમાનો માટે પાર્કીગની સગવડ ગોતી મલે કારણ કે દરેક મકાનની આગળના રસ્તા પર બે ગાડીની પાર્કીગ હોય અને અમુક એક મકાનમાં ત્રણ ત્રણ ગાડીઓ પણ હોય છે. મોટે ભાગે પાર્કીગ માટે ખાસ પરમીટ લેવી પડે છે. અન્યથા સમય પ્રમાણે ચાર્જ ભરવાનું હોય છે.

No Comment

Comments are closed.