Input Content

આજના જમાનામાં તમાકુએ જબરજસ્ત માનવ-સંહાર કરીને જગતમાં માનવીના નંબર વન શત્રુ તરીકેનું બિરુદ પ્રાપ્ત કર્યું છે. દર વરસે લાખોની સંખ્યામાં મનુષ્યો તમાકુ-સેવનની મૃત્યુના મુખમાં ધકેલાય છે.

તમાકુ કેન્સર જેવા જીવલેણ રોગનો જન્મદાતા છે.તમાકુમાં રહેલા અન્ય ઝેરી પદાર્થોમાં ‘નિકોટીન’       નામનું ખતરનાક ઝેર વધુ પ્રમાણમાં હોવાથી મહદઅંશે મૃત્યુનું કારણ બને છે.

તમાકુ સેવન માનવ-જીવનને ખોખલું અને ટૂંકુ બનાવે છે. ભારતમાં દર વર્ષે નોંધાતા કેન્સરના લાખો કેશમાં ૯૦% જેવા તો તમાકુના શ્રાપે ગણાયા છે. ભારતમાં દર વરસે બાર લાખ લોકો આવા કેન્સરમાં પીડયને મૃત્યુમાં ધકેલાય છે.

મોં અને ગળાના મોટાભાગના કેન્સરના કેશો તમાકુની દેન હોય છે. તમાકુમાં રહેલો ‘ટાર’ નામનો ઝેરી પદાર્થ ફેફસામાં ભરાઇને ફેફસાના કેન્સરને જગાવે છે. સ્તન અને ફેફ્સાનું કેન્સર આવા ઝેરી પદાર્થનું કુકર્મ જણાય છે.

તમાકુ-સેવનથી હદય રોગ થવાની પણ એટલી જ શક્યતા છે. તમાકુ લોહીમાં કોલેસ્ટ્રોલ વધારતું હોવાથી હદય રોગોમાં મુખ્યત્વે હાર્ટએટેક અને છાતીના કેન્સરમાં એ પોતાનો મારણ ભાગ ભજવે છે.

તમાકુમાં રહેલ ઝેરી કાર્બન મોનોક્સાઇડ હદય રોગ ઉત્પન્ન કરે છે. તમાકુ પાનમાં નાખીને ખાવામાં આવે કે પછી ધુમ્રપાન તરીકે એનો ઉપયોગ કરવામાં આવે. તમાકુ ગૂટકા જેવા ઝેરી પદાર્થો તરીકે વાપરાવામાં આવે કે પછી અન્ય પદાર્થમાં ભેળવીને વાપરવામાં આવે-તમાકુ માનવીનું જીવન ખેદાન મેદાન કરીને અને મૃત્યુની ખીણમાં ધકેલી દે છે.

તમાકુ એ ફકત કેન્સરની જન્મદાતા નહિ પણ અનેક જીવલેણ રોગોની જનેતા છે. તમાકુની કુખે જન્મ લેતા રોગોમાં મુખ્યત્વે ટી.બી., અલ્સર, મુખપાક, દાંતના રોગો, કંપવાત, વંઘપ્ત્વ, શ્વાસ, પાડુંરોગ જેવા અનેક રોગોની નોંધણી કરવામાં આવી છે. નિત્ય તમાકુ સેવન કરનારની દષ્ટિમાં નબળાઇ વર્તાય છે. અનિંદ્રા, માથાનો સખ્ત દુ:ખાવો,ચક્કર ચિતભ્રમ, મૂર્છા જેવા રોગો પેદા થાય છે.

તમાકુના અતિ સેવનથી માનવી ભાન ભુલીને પોતાની નિર્ણય શક્તિ ગુમાવી બેસે છે. મોં હંમેશા વાસ મારે છે. દાંત પીળા બની જાય છે. આંખો લાલ દેખાય છે. શરીર ખોખલું બની જાય છે અને આવો માનવી પરિવારમાં, સમાજમાં અને વર્તણુકમાં દયા-પાત્ર નહીં પણ ધૃણાપાત્ર બની જાય છે.

તમાકુ ગરમ હોવાથી શરીરમાં પિત વધારે છે. જેથી કયારેક મદ ચડે છે.અને ઉલટી અને ઝાડા પણ થાય છે. તમાકુનું નિત્ય સેવન પુરૂષને નપુંશક પણ બનાવી દે છે.

છીંકણી તરીકે તમાકુનો ઉપયોગ પણ એટલો જ હાનીકારક પુરવાર થયો છે. વૃધ્ધ મહિલાઓની આ કુટેવ રીબાઇને મૃત્યુના મુખમાં ધકેલે છે. મોંમા તમાકુનો ગળોફો ભરી રાખીને ટેસથી પીચકારી છોડતો માનવી પોતાની જિંદગીની આયુષ્યની પીચકારી મારતો હોય છે. આવી ટેવા મોં કે ગળાના કેન્સરનો એ ભોગ તો બનાવાનો પણ મોં પુરૂ ખોલવા માટે પણ એને ફાંફાં મારવા પડે છે. પોતાની મન પસંદ ચીજ પણ એ ખાઇ શકતો નથી. બે દાંત વડે ખાસ જેક ભરાવીને એ પોતાની પેટ પુજા કરે છે. અથવા તો પરાણે ચમચીથી પરણે થોડુંક ખુલતાં મોંમાં ધકેલીને એ ભોજન કરતો હોય છે. ત્યારે એની હાલત દયાજનક હોય છે.

તમાકુ વારી બીડી-સીગરેટનો ઝેરી ધૂમાડો પણ આજુબાજુમાં રહેલા મનુષ્યોને હાની કરે છે. કદીય તમાકુનું સેવન ન કરનાર વ્યક્તિ પણ આવા ધૂમાડા અને શ્વાસ-ગંધના પ્રતાપે કેન્સરના ભોગ બનતા હોય છે. જેના ઘરમાં વડીલો નિત્ય તમાકુ સેવન કરતાં હોય છે. એમના બાળકોને પણ દુષીત વાતાવરણના પાપે કેન્સર થવાની શક્યતા રહેલી છે. હંમેશા તમાકુનો ગલોફો મોંમા રાખીને ફરતો પતિ રાત્રી સહવાસથી પત્નીને કેન્સરની ભેટ આપતો હોય છે… બીડી,સીગરેટના સતત ધૂમાડા ભર્યા વાતાવરણમાં કામ કરતી મહિલાઓ પણ જાણે અજાણે તમાકુ સેવનથી થતા જીવલેણ રોગોની શિકાર બનતી હોય છે.

તમાકુ સેવન એ માનવીને રીબાઇ રીબાઇને મૃત્યુના દ્વારે ધકેલવાની પ્રક્રીયા, તમાકુ સેવનથી માનવી પોતાના જીવનને બરબાદ કરે છે. એ તો અરિસા જેવું સાફ છે. પણ એનાં પરિણામે એનું સમગ્ર પરિવાર પણ બરબાદ થઇ જાય છે. તમાકુ એ હળાહળ ઝેર છે. અને ઝેરનાં પારખાં કરનાર માનવી બરબાદીની ખીણમાં ધકેલાઇને અંતે દુ:ખદાયક મૃત્યુને ભેટે છે. તમાકુ પાનમાં ખવાય કે ધુમ્રપાનમાં, કે પછી તમાકુ ગુટકામાં લેવાય દરેક રીતે હાનીકારક છે. દરેક અંશમાં તમાકુ માનવીનો નંબર વન શત્રુ જ રહેવાનો છે.

આ કડવી હકીકત જાણ્યા છતાંય આજે તમાકુ મોટી માત્રામાં અને ખુલ્લે આમ ખવાય છે. તમાકુનો ખુલ્લેઆમ કરોડોનો વેપાર થાય છે.

સરકાર વી.એ.ટી.ના લોભે કડક થતી નથી. માનવ જીવન સુધારવા હોબાળો મચાવતી સંસ્થાઓ પણ મૌન સેવીને બેઠાં છે. આરોગ્ય ખાતું આ સધળી જાનહાની ખુલ્લી આંખે જોઇ રહી છે. વ્યસ્ન મુક્તિનો ઢોલ પીટનાર કે માનવ સેવાનાં નગારાં વગાડનાર સંસ્થાઓ પણ બુમો પાડ્યા વગર કંઇ જ કરી શકતી નથી.

No Comment

Comments are closed.