Input Content

બીડી કે સીગરેટ ફૂંકવી એ એકવીસમી સદીમાં એક ફેશન ગણાય છે. મૂંછનો દોરો ય હજુ ન ફુટ્યો હોય એવા ફૂટડા યુવાનોથી માંડીને મૃત્યુ ભણી મીટ માંડી રહેલા વુદ્વોની એ જીવનદોરી બની છે.

ખુલ્લી બજારમાં છડેચોક બીડી ફૂંકતી દલીત સ્ત્રીઓ અને પાર્ટીઓ, ક્લબો કે ઘરના એકાંત વાતાવરણમાં સીગરેટના હોંશે હોંશે ઘૂંટ લેતી સભ્ય સમાજની નમણીઓમાં કંઇ ફેર ખરો? એક નીચલા વર્ગની સ્ત્રી પૈસાના અભાવે સસ્તી બીડી પીએ છે અને એ એની ખરાબ ટેવ છે. એક ઉપલા વર્ગની મહિલા પૈસાના જોરે ઉંચી જાતની સીગરેટ પીએ છે એ એની ફેશન છે. એટલો ફરક જરૂર છે.

આ બે નારીઓમાંથી કોઇ જ સંસ્કારી નથી. બન્ને પ્રકારની સ્ત્રીઓ પોતાના નારીત્વને લજાવે છે. અને બેય પ્રકારની સ્ત્રીઓ પોતાના આરોગ્યને હોડમાં મુકે છે.

ધુમ્રપાન એ કોઇપણ મનુષ્ય માટે કોઇપણ સમયે કોઇપણ સંજોગોમાં હીતદાયક નથી. દારૂ અને તમાકુની હરોડમાં બેસતું એ જીવલેણ વ્યસન છે. આયુષ્યમાં ચોક્ક્સપણે ઘટાડો કરતું એ શ્રાપીત પ્રદુષણ છે. સુખમય જીવનને ભયંકર વણાંક આપતું એ જોખમી દુષણ છે. સ્મોકીંગની ચૂંગાલમાં ફસાયેલ માનવી ગમે તે કક્ષાનો હોય પણ એ નિશ્રિત નર્કના દ્વાર ભણી ધકેલાતો હોય છે. અનેક કષ્ટસાધ્ય અને અસાધ્ય રોગો ભણી તણાતો હોય છે. અને અમુક સંજોગોમાં કાળનો ભોગ પણ બનતો હોય છે.

બીડી, સીગરેટનું સેવન કરનાર વ્યક્તિ પોતાનું ચારિત્ર્ય,ધન અને આરોગ્ય ધૂમાડો કરીને દાક્તરોની તીજોરીઓ છલકાવે છે. સૌ કોઇ આ હકીકત જાણે છે છતાંય લોકો મોજથી ધૂમાડા કાઢતાં જાય છે અને શરીર ખોખલાં બનાવે છે. આંખે દેખ્યું દુષણ, અણદેખ્યું કરે છે. હાથે કરીને બરબાદીની ખાઇમાં ઝપલાવે છે.

બીડી, સીગરેટનું સેવન ચામડીના અનેક રોગ નિમંત્રે છે. દાંતને કદરૂપા બનાવીને પેઢાંને નબળાં બનાવે છે. મોંમા ગંધાતી વાસને રહેઠાણ આપીને અને ગળામાં અડો જમાવે છે. વાતાવરણને દુષીત બનાવીને અન્યનો અણગમો વહોરે છે. ગળાંને રોગગ્રસ્ત બનાવે છે. અને  કેન્સર જેવા જીવલેણ રોગ માટે મેદાન તૈયાર કરે છે. ફેફસાંનું કેન્સર આક્રમણ કરે છે. ટી.બી. જેવો કષ્ટસાધ્ય અને ત્રાસદાયક રોગ પગપેસારો કરે છે. ઠોંઠોં કરીને પોતાની રાતની ઉંઘા હરામ કરે છે અને વર્તણૂંકમાં રહેલા પરિવાર સભ્યોને સતત જાગતા રાખે છે. ગમે ત્યાં બેળખા નાખીને વાતાવરણને ગંદુ અને આરોગ્યહીન બનાવે છે. અને ચેપી જંતુઓની હેરફેરમાં સહાયભૂત બને છે. બાકી સીગરેટ પીનાર વર્તણૂંકમાં અણમાનીતો બને છે, એ વધારામાં.

“ધુમ્રપાન કરવાથી ટેન્સન ઘટે છે, મનને શાંતી મળે છે…. કબજીયાત દુર થાય છે, વટ પડે છે, કે થોડો સમય ભૂખ ઠેલાય છે.” આવી જૂઠી બડાઈ મારવાવાળની કમી નથી. એ બધા ખોટા પ્રલોભનો છે અને માનવી જીવતો છતાં મરેલા જેવી બદતર જીંદગી જીવે છે. ચેઇન સ્મોકરનું જીવન તો મરણ પથારીએ પડેલા માનવી જેવું છે. એનું પ્રેસર હંમેશા ટાઇટ રહે છે, સ્વભાવ ઉગ્ર જણાય છે અને ઘણી વખત આવા માણસો ઉશ્કેરાય કે કોપાયમાન થાય તો હાર્ટ એટેકનો ભોગ પણ બનતા હોય છે.

વધારે પડતું ધુમ્રપાન કરનાર શખ્શનું પરિવાર સતત ભયમાં જ હોય છે. સ્ત્રીના સામે વિધવાપનનું હડકાયું ચિત્ર હંમેશા અટહાસ્ય વેરતું દેખાય છે…. સમજુ સ્ત્રીઓ પુરૂષોને વ્યસન મુક્ત બનાવવા માટે ઘણી મહેનત કરે છે. અનેક માનતાઓ અને બાધાઓ રાખે છે. અન્ય પ્રભાવીત વ્યકિતો મારફત વ્યસન છોડાવવની કોશીષ પણ કરે છે.

અમુક ભાગ્યશાળી નારીઓના પતિ  લાંબા પ્રયાસે ધુમ્રપાનનો ત્યાગ પણ કરે છે. અનેક કોશીષો કરે છે. થોડો સમય બંધ કરે છે પણ ખરા પણ તડપથી લાચાર બનીને પાછા ચાલુ થઇ જાય છે… કોઇ ધીરે ધીરે કરીને છોડી દે છે તો કોઇને કડવો અનુભવ થતાં એક ઝાટકે મુકત બને છે. એકાદ બે વર્ષ લગીરે પણ ધુમ્રપાન ન કરનાર શખ્શો ફરી પાછા ચાલુ થઇ જવાન બનાવો પણ બન્યા છે…

રોજની ચાલીસ પચાસ બીડી, સીગરેટ પીનારને ધુમ્રપાન પ્રતિ જીવનભર નફરત કરતા પણ જોયા છે. ભલભલા ચેઇનસ્મોકરોએ પણ વ્યસનની જાનહાની ચૂંગાલમાંથી શાંતિમય મુક્તિ મેળવ્યાના બનાવો પણ હયાત છે. જેમને મુક્તિ મેળવી છે તેઓ પોતાના જીવનની મોટી બગડતી બાજી જીતી છે. એમણે ફકત પોતાની જ નહિ પણ એમના સમગ્ર પરિવારની ચિંતા હળવી કરી છે.

જેમને જેટલી વહેલી સદબુધ્ધી સૂઝે એમના જીવનમાં એટલું વહેલું પરિવર્તન આવે. સતત ધૂમાળો કાઢનાર વ્યક્તિ તદન ત્યાગ પછી મરી જવાના કોઇ બનાવો નોંધાયા નથી પણ એમાં ગરકાવ થયેલા શખ્શોના રોજ મોતના સમાચારથી આપણે શું વંચીત નથી?

ગમે તેવા કપરાં સંજોગોમાં પણ ધુમ્રપાન કરવું એ આરોગ્ય તંત્રનો ગુન્હો છે. કુદરતી ક્રમનો એ  ભંગ છે. સામાજીક વ્યવસ્તામાં એ દુષણ છે અને ધાર્મીક જીવનમાં એ પાપ છે.

બીડી, સીગરેટનું વ્યસન એ સુખી પરિવારનું કટુ દુશ્મન છે. ધુમ્રપાન એ મદીરાપાનની કક્ષામાં અસુરોનું લક્ષણ છે. ગમે તેવા કપરા સંજોગોમાં પણ ધુમ્રપાન એ અસ્વિકાર્ય આદત છે. કોઇ પણ વ્યક્તિનાં જીવનમાં એનો પ્રવેશ એક યા અન્ય રીતે હાનીકારક છે.

No Comment

Comments are closed.