Input Content

અમૃતબેન છેલ્લા ત્રણ મહિનાથી ખાટલામાં પડ્યા છે. પરિવારના તમામ સભ્યો વારાફરતી એમની સેવા-ચાકરીમાં ખડે પગે હાજર છે. એક નહીં પણ ત્રણ ત્રણ દાક્તરો અને બબ્બે વૈધો પણ એમની બિમારીનું સચોટ નિદાન કરવામાં નિષ્ફળ નીવડયા છે. સૌ પોતપોતાની રીતે દવાદારૂ લખી અને ખાવાપીવામાં અમુક વસ્તુની પરેજી આપીને ચાલ્યા જાય છે. દાકતરોની આકરી ફીઝ, મોંઘીદાટ દવા આજ સુધી એમની બિમારીને હટાવી શક્યા નથી. ધનવાન પરિવારના અમૃતબેનનાં જીવનમાં આટલી વેદના ક્યારેય જણાઇ નથી.

પ્રેસર 200-120 હદયના ધબકારા 140, તાવ 105. શરીર લાય બળે, તાવ વધઘટ થયા કરે. કયારેક આખા શરીરે પસીનો પસીનો, ક્યારેક ટાઢ લાગે, ક્યારેક ધ્રુજારી વછુટે, ક્યારેક માથમાં તીવ્ર વેદના થાય તો ક્યારેક છાતીમાં સખ્ત દુ:ખાવો, ક્યારેક આખું શરીર તુટે તો ક્યારેક જકડાઇ જાય. કાર્ડીઓગ્રામસના રીપોર્ટ મુજબ હાર્ટ પર દબાણ આવતું હતું. હાર્ટ સ્પેશીઆલીસ્ટે સારામાં સારા અને મોંઘામાં મોંઘા ઇજેંક્શનો અને દવા વાપરી પણ પરિસ્થિતિમાં લગીરે પણ સુધારો ન જણાયો.

નજીકની હોસ્પીટલમાં એમને આઇ.સી.યુ માં દાખલ કરવાની સલાહ પણ આપવામાં આવી. ઘર છોડી ને બહાર ન જવાની હઠ લઇને બેઠેલા અમૃતબેનને કોઇ સમજાવી શક્યુ નથી. લગભગ પચીસેક બાટલા પણ ચડાવી દીધા. બાટલા ચડે ત્યાં સુધી તાવ ઓછો જણાય. વળી પાછુ એવું જ.

જે દર્દ અનેક મોટા દક્તરોથી ન મટે… એવા દર્દના સફળદાયક ઉપચાર માટે શ્રીજી ક્લીનીકની નામના સાંભળીને અમૃતબેનના જયેષ્ટ પુત્ર હરીશ મને ઘેર લઇ જવા માટે તૈયાર કર્યો.

શુશોભિત અને આરામદાયક આલિશાન શયનખંડમાં પલંગ પર શાંત ચિતે સૂતેલા અમૃતબેનનો ચહેરો ઘણુંય કહી જતો હતો. માથું ફાટ્ફાટ થવાની ફરિયાદ, આંખોની સખ્ત બળતરા, આખા શરીરે અસહ્ય વેદના, કાનમાં જાણે તમરા બોલે, હાથ-પગ સખ્ત તૂટે, જીભ સૂકાઇ જાય. આંખોના અક્સીર ટીપાં, કાનના ઉચ્ચ કક્ષાના ટીપાં, ગમે તેવા માથાના દુ:ખાવાને હટાવે તેવી દવા, શરીરે માલીસ કરવા માટે સ્પેશીયાલીસ્ટની સેવા, છાતીના દુ:ખાવા અને તાવ માટેના સારામાં સારા ઇંજેક્શનો અને ગોળીઓ…. એલોપેથી, આર્યુવેદ અને નેચરોપેથી સારવારનો ત્રીવેણી સંગમ… દાક્તરો પણ નામાંકીત.

આ બિમારી શરૂ થઇ ગયે છ મહિના થઇ ગયેલા પણ છેલ્લા ત્રણ મહિનાથી અમૃતબેન પથારીવશ પડયા છે. આટાઆટલા દાક્તરો, મોંઘીદાટ દવાઓ અને ઉચ્ચકક્ષાની સારવાર જ્યાં અમૃતબેનના દર્દને કાબુમાં લાવી શકી નથી તો પછી મારા જેવા સામાન્ય આર્યુવેદ દાક્તરનું શું ગજું?

છતાંય મેં મારા પર મૂકવામાં આવેલા વિશ્વાસ અને શ્રધ્ધાના ઓથે નવેસરથી અમૃતબેનની તપાસ આદરી. લોહી-પેશાબના રિપોર્ટ મોટે ભાગે નોરમલ. મેલેરિયા-ટાઇફોઇડ-કમળાનાં કોઇ ચીન્હ નહોતાં. પ્રેસર બહુજ ઊચું અને શરીરે સખ્ત તાવ.

મારામાં સળવળતા મનોચિકિત્સક દાક્તરે અમૃતબેનના દર્દને ખૂબ જ વલોવ્યું અને મારા હૈયામાં અજબ ચમત્કાર થયો. અમૃતબેનને અંદરોઅંદર ચિંતા કોતરી ખાય છે. કોઇ ભયંકર બનાવની ચિંતા એમના મગજતંત્રને વિંટીને બેઠી છે. જેથી શરીરે સખ્ત તાવ રહે છે. પ્રેસર વધી ગયું છે અને છાતીમાં સખ્ત દુ:ખાવો રહે છે. મેં નિખાલસપણે મારો અભિપ્રાય પરિવાર સમક્ષ મૂક્યો.

અમૃતબેનના હઠીલા દર્દથી કંટાળેલા એમનાં ખાસ બહેનપણી પડોશણે  હૈયાવરાળ ઠાલવીને વણમાગી સલાહ આપી.

“વેવાણને કોઇને પડછાયો નડ્યો લાગે છે. પીરની દરગાહે લઇ જઇને ફકીર બાબાને પગે લગાડીને ધૂપ કરાવીને પીછું ફેવરાઓ તો બધુંય સારૂં થઇ જશે.”

નાની વહુએ લાજના ઘૂંઘટામાંથી સોનેરી સૂત્ર કઢ્યું,

“આ બિમારીમાં દાક્તરનું કામ નથી. ભૂવા વગર આ રોગ નીકળે તેમ નથી. વરસો પહેલા મારી બાને આવી જ બિમારી થયેલી જેને ભૂવાએ ચાર-પાંચ બેઠકમાં જળમૂળમાંથી કાઢી નાખેલી.”

ત્યારે બધાયે સર્વાનુમતે નક્કી થયું કે અમૃતબેનને દાક્તર, વૈધ કે હકીમની કોઇ દવા અસર કરે એમ નથી. ખોટા સમય અને પૈસા બગાડવાની વાત છે. એમને કોઇને છાયો નડ્યો છે. એમને વળગાળ પણ હોઇ શકે અને એ બધું દોરા-ધાગા અને બાધા વગર મટી શકે એમ નથી. તાત્કાલીક કોઇ સારા ભૂવા અને પીંછા ફેરવવાવાળા બાબાની તપાસ કરો.

અને મેં ત્યાંથી સ્વમાનભેર રજા લીધી અને જરૂરી સૂચના આપીને જરૂર પડ્યે મને બોલાવી જવાની વાત કરીને મેં મારી ક્લીનીકમાં મારી આતુરતા પૂર્વક રાહ જોતાં મારા અન્ય દર્દીની સંભાળ લીધી.

વીસ દિવસ પછી એકલો દિકરો નહિ પણ ભુવાને બોલાવવાનો આગ્રહ રાખતી વહુ પણ મને તેડવા માટે આવી. એં એમની પાસેથી વિગત જાણી લીધી.

સારી એવી બાધાઓ રાખી. પીરની દરવાહે લઇ જઇ ફકીર બાબા પાસે પીછું પણ ફેરવાવી જોયું. એક નહિ પણ ચાર ચાર ખ્યાતનામ ભુવાઓને ઘેર બોલાવીને ધુણાવી જોયા. ધૂણી ધોખાવીને મકાન કાળુ થઇ ગયું. દોરા-ધાગા પણ કરાવી જોયા. પણ દર્દમાં એક આની પણ ફરક નથી પડ્યો. ઊલટાનું વધી ગયું હોય એવું લાગે છે. એક નામાંકીત સંતના કહેવા મુજબ બાને મગજમાં કોઇની ચિંતા કોતરી ખાય છે…..

“તમારી વાત સાચી છે. તમોએ અમને પહેલાંજ વાત કરી હતી અમોએ ધ્યાન ન આપ્યું મહેરબાની કરીને જરૂરી ઉપચાર કરીને અમારા બાને બચાવી લો દાક્તર..” અને એ રડી પડી.

હઠાગ્રહ પકડતા અને કોઇ પૂર્વાગ્રહ ન બાંધતા મારા દર્દીઓની તપાસ પુરી કરીને અમૃતબેનની પંચાવન વર્ષની ઉંમર. ખાસ કોઇ બિમારી નહિ. ઘરમાં સુખશાંતી. સમાજમાં પણ સારો મોભો. અડોશ-પડોશ અને સગા-વ્હાલામાં પણ સારાસારી. દીકરો અને વહુ પણ ડાહયા. પતિ સાથે પણ સારૂં બને. કદી કોઇને જોડે ઝગડો નહિ. પૈસાની તો કમી નહિ. કોઇપણ અન્ય કારણથી અમૃતાબેન અંદર અંદર ઘૂંટવાતા હતા.

એનું દર્દ શારીરીક નહિ પણ માનસિક હતું. મગજને શાંત પાડવા માટે જરૂરી દવાઓ આપી. અલ્ફા વેવ થેરાપીનો પણ ઉપયોગ કર્યો. એક્યુપ્રેસર અને મેગ્નેટ થેરાપીથી મગજને થોડું શાંત કર્યું. કંઇક સારું થતાં એકાંતમાં પૂછપરછ કરતાં ચોર પકડાયો.

પોતાની એક ખાસ બહેનપણીને ખાસ પ્રસંગ માટે પહેરવા માટે બે લાખનો કિંમતી ઘરેણાનો સેટ પહેરવા માટે આપેલો. એક લાખ રૂપિઆની કિંમતનું સોનાનું ઘડીયાળ પણ આપેલું. આજે છ મહિના થયા છતાંય એ બહેનપણી પાછી દેખાણી નહિ. તપાસ કરી તો એ બહેનપણી મુંબઇ એના ભાઇની દિકરીને પરણાવવા ગયેલી. તે આજ સુધી પાછી આવી જ નથી અને કોઇ સમાચાર પણ નહોતા.

અમૃતબેને ઘરમાં કોઇને આ જણાવ્યા વગર ઊછીના આપેલા. રૂ. ત્રણ લાખના દગીનાની ચિંતા અંદરોઅંદર  કોતર્યા રાખે. ન કહેવાય અને ન સહેવાય જેવી વાત થઇ. ઘરમાં બધાને ખબર પડે તો શુ થાય? અને ઘરેણાં પણ થોડા નહિ પણ પુરા ત્રણ લાખના! હાંજા ગગડી ગયાં. ચિંતામાં ને ચિંતામાં બિમાર પડ્યાં. વ્યાધિ વધી ગઇ અને બિમારી વધી ગઇ અંદરથી કોતરી ખાતી બિમારીને દાક્તરીની કોઇ જ દવા કામ ન લાગી અને અમૃતબેન ખાટલે પડ્યાં.

ઘરનાં માણસોને એકાંતમાં વાત કરી અમૃતબેનના દર્દનું રહસ્ય ખુલ્લું થતાં દીકરી-વહુએ સારો તોલ કાઢ્યો . એવી જ જાતનાં એટલી જ કિંમતનાં ઘરેણાં અને ઘડિયાણ એજ સોની પાસેથી લઇને એમની બહેનપણીની સખી મારફત ઘેર પહોંચાડવાની વ્યવસ્થા કરી.

અને થોડા જ દિવસની સારવારથી અમૃતબેન હરતાં ફરતાં થઇ ગયા અને ફરી એકવાર એમનાં પરિવારમાં સુખ-શાંતિનો અને અમૃતબેનનાં મિઠાં હાસ્યનો રણકાર સંભળાવવા લાગ્યો.

No Comment

Comments are closed.