Input Content

ઘી એક શાસ્ત્રોતક ઔષધી છે. રામાયણના જમાનાથી ઘીનો ધાર્મીક પ્રસંગે, યજ્ઞ કે હવનમાં, આહારમાં અને ઔષધમાં ઊપયોગ થતો આવ્યો છે.

શુધ્ધ ઘીમાં સુક્ષ્મ જંતુઓનો નાશ કરવાની અદભૂત શક્તિ છે. ઘીની સુંગધ માત્રથી વાતાવરણમાં ધૂમરાવો મારતાં જીવાકો ઊભી પૂછડીએ ભાગે છે.

યજ્ઞ કે હવનમાં ઘીનો ધૂમાળો દુષીત વાતાવરણને શુધ્ધ કરે છે. એ શાસ્ત્રોની વાતમાં દમ છે. સ્મશાનમાં શબનાં અગ્નિ સંસ્કાર સમયે અગ્નિમાં સારૂં એવું ઘી રેડવામાં આવે છે. ઘરમાં શબને સાચવતી વખતે કે વીધી કરતી વખતે ઘીનો દીવડો કરવામાં આવે છે. બન્ને પ્રસંગમાં શબમાંથી નીકળતા ખરાબ કીટાણુંઓ હવામાનને દુષીત ન કરે એવો ભાવાર્થ છે.

તમામ હિંદુ મંદિરોમાં ઘીના દીવા પ્રગટાવવાની જુની પ્રથા, ઘર-મંદીરમાં દીવો પ્રગટાવવો અને ઘીની આરતી ઊતારવી, સમારંભોના ઊઘાટનમાં દીપ-પ્રગટમાં ઘીનો વપરાશ, બાળકોના છઠીના પ્રસંગમાં દીપ-પ્રાગટ્ય આ સઘળાં વાતાવરણને શુધ્ધ રાખવાની પ્રક્રિયાઓ છે. જે બહુ જ સમજી વિચારીને શાસ્ત્રકારોએ આપણાં સમક્ષ મૂકી છે.

શુધ્ધ ઘીમાં તૈયાર થયેલી મીઠાઇઓ અને પકવાનો, બાજરાના રોટલામાં ગોળ સાથે ઘી, ઘઉંની રોટલીને ઘીથી ચોપડવી, ખીચડીમાં ઘી-દાળ ભાતમાં પણ ઘી, શીરામાં લચબચતું ઘી, ઘણાંય ઔષધોમાં ઘીની વપરાશ, આમ આપણા રોજીંદા જીવનમાં ઘી નો વપરાશ ઘણો છે. જે આપણા ઋષીમુનિઓ અને આપણા વડવાઓએ આપણને વારસામાં આપ્યો છે.

ઘી વાતાવરણને શુધ્ધ કરે, શરીરમાં અદભૂત શક્તિ અને સ્ફૂર્તી આપે અને ઘી ઔષધ તરીકે અદભૂત અસર કરે. બ્રેટ-બટરનો વપરાશ આજે વિશ્વભરમાં ઘણો છે. ઘીની બનાવટ ચીઝ પણ આજે અવનવા રૂપમાં વિશ્વમાં ઠેર ઠેર વપરાય છે.

આજે શુધ્ધ ઘી સહેલાઇથી મળી શકતું નથી. ઠેર ઠેર ભેળસેળ વારૂં ઘી વહેંચવામાં આવે છે. ઘણી જગાએ મોંઘી કિંમતના કારણે શુધ્ધ ઘીની જગાએ વનસ્પતી ઘીનો વપરાશ કરવામાં આવે છે. અગાઉમાં ઘીમાં તારવામાં આવતી પુરીઓ આજે તેલમાં તરાય છે. આજે ભારતમાં પશુધન ઘટતું જાય છે. વસ્તી વધતી જાય છે. પાણી નાખવા છતાંય દુધ પુરૂં પડતું નથી.. ભેળસેળ કરવા છતાંય ઘી સૌ કોઇને પરવડતું નથી… ગાયો અને ભેંશોનો ઉછેર ઘણો ઓછો છે. દુધ આપતાં ઢોરોને ઊંચા ભાવે ખાનગીમાં કતલખાને વહેંચવામાં આવે છે. આજે ભારતમાં માંસાહારી પ્રજા વધતી જાય છે. જેથી દુધ-ઘી આપતાં ઢોરોને માંસાહારમાટે છુપી રીતે કતલ કરવામાં આવે છે. જેથી ઘી દિવસે દિવસે મોઘું થતું જાય છે. સામાન્ય માનવીને શુધ્ધ ઘી ખાવાની વાત તો એકબાજુ રહી પણ શુધ્ધ ઘી સૂંઘવાનો વારો પણ નથી આવતો…

ઘી એક અદભૂત રસાયણ છે. ઘીને આર્યુંવેદે ‘ધૃત’તરીકેની ઓળખાણ આપી છે. એવાં એ ધૃતમાં અજબ શક્તિ સમાયેલી છે. એનામાં રાસાયણિક શક્તિ ઊપરાંત મેઘા-શક્તિ, સૌદર્ય પ્રદાન શક્તિ, બુધ્ધિવર્ધક શક્તિ,રક્તશુધ્ધી શક્તિ, ગાંડપણને હણવાની શક્તિ અને ટી.બી. જેવા રોગને ઢીલો કરવાની અદભૂત શક્તિ સમાયેલી છે.

ઘી એની કફ પ્રકૃતીને કારણે શરીરમાં કફ વધારે, ચરબી વધારે અને શ્વાસ-દમને વેગ આપે એવા ગુણો પણ સમાયેલા છે. ભેંશનાં ઘીમાં ભારેપણું, વાના રોગો ઊત્પન્ન કરવાનું અને ચરબી વધારવાનું દુષણ સમાયેલું છે.. સામાન્ય વપરાશમાં ગાયનું ઘી ઊત્તમ… તેમાંય વૃધ્ધ, બાળકો અને માંદા માણસોએ તો હંમેશાં ગાયનાં ઘીનો જ ઊપયોગ કરવો…

ધૂળ કે ધૂંમાળાની એલર્જીથી જેમને નાકમાં તકલીફ ઊભી થાય કે છીંકો આવે એમાં નવશેકાં ઘીને નાકનાં બન્ને ફોડવામાં સવાર-સાંજ નાખીને થોડો સમય ચતા સૂઇ જવાથી ઘણો લાભ થાય છે. આંખના રોગો જેવા કે બળતરા, તપોડિયાં, આંખ લાલ થવી, ધૂળથી ઝાંખપ જણાય કે ચીપડાં જામે ત્યારે નિત્ય સવાર-સાંજ ઓગારેલું ઘી આંખમાં આંજવાથી ઘણો ફાયદો જણાશે…

હાથ-પગમાં જેમને કાયમ બળતરા રહેતી હોય, પગનાં તળિયાં હંમેશાં ગરમ રહેતાં હોય ત્યારે સવાર-સાંજ કાંસાના વાટકાને ઊંધો કરીને તળિયાંને ઘીથી ઘસવામાં આવે તો ઘણો ફાયદો જણાય છે. આ પ્રયોગ આંખનું તેજ વધારવા કે ચશ્માંનો નંબર ઊતારવા માટે પણ ફાયદાકારક છે. ઘીની તાસીર ઠંડી હોવાથી એમ કરવાથી એ શરીરની અને મગજની ગરમી ઓછી કરે છે.

બહુ ગરમીની નસકોરી ફુટે કે પછી ગરમ તાસીરના કારણે નસકોરી ફુટવાની જેમને ટેવ હૉય એમણે રોજ સવાર-સાંજ બન્ને નાકનાં ફોડવામાં ઘીનાં નવશેકાં ટીપાં નાખીને થોડીવાર ચતાપાટ સૂઇ જવું… વધારામાં મથાના ટેરવે અને કપાળમાં ઘી ઘસવું અને રોજ સવાર-સાંજ થોડું ઘી-સાકર ચાટવું.. ચમત્કારીક લાભ થશે..

સુવાવડી માટે ઘી એક જબરૂં ટોનીક છે. શીરામાં ઘી, ખીચડીમાં ઘી, કાંટલામાં ઘી સુવાવડી માટે આર્શીવાદરૂપ ગણાય.. પેટમાં ગર્ભ રહે ત્યારથી ઘીનો વપરાશ કરવાથી ગર્ભ-વિકાસમાં ઘણો ફાયદો થાય.. સુવાવડમાં સુગમતા રહે. બાળકને પુરતું ધાવણ મલી રહે…

ગર્ભવંતી સ્ત્રી જો નિયમિત દુધ-સાકર અને ઘીનો સારો વપરાશ રાખે તો કસુવાવડમાંથી બચી જાય, બાળક જન્મયા પહેલાં છોડ થઇ જાય કે બાળક નબળું જન્મે એ બીક દુર થઇ જાય..

દૂબળાં શરીર માટે ઘી બહુ સારૂં. ઘી ચરબી વધારે છે. એ ચોક્કસ છે. જેમને ચરબી વધારે હોય તેઓ મર્યાદામાં રહે. સૂકલકડી કાયાવારાં ભરપૂર ઘી સાકર ખાય તો શરીરનો વિકાસ થાય. ઘીમાં તમામ વીટામીનો  ભરપુર પ્રમાણમાં છે.

ઘી એક પવિત્ર દ્રવ્ય છે. જે અભડાતું નથી કે એમાં જંતું પડવા છતાંય કે અંદર મરી ગયા છતાંય વિષ વિકાર થતો નથી.. અન્ય દ્રવ્યોમાં જંતુ પડે તો આપણે ફેંકી દઇએ છીએ પણ ઘીમાં પડેલાં જંતુ કાઢી નાખીને ઘીને વપરાશમાં લઇએ છીએ.. કારણકે ઘી પોતે જંતુનાશક છે. ધર્મશાસ્ત્રોમાં ઘીનો વપરાશ આપણાં આરોગ્ય માટે જ છે. ઘી સૂક્ષ્મ જંતુઓનો નાશ કરે છે. અગ્નિ સાથે ભેળીને એ વાતાવરણને શુધ્ધ કરે છે. અખંડ દીવો જલતો રાખવાની પાછળ એજ શુભ ઉદેશ સમાયેલો છે.

સો વાર ધોયેલું ઘી એક સારૂં અને અકસીર ઔષધ બને છે. ચામડીના તમામ રોગ પર એ અસરકારક જણાયું છે. ધોયેલા ઘીમાં પ્રમાણસર કપુર મેળવીને વાપરવાથી માથાના ખોડામાં અદભૂત લાભ થાય.. ચહેરા પર કાળાશ હોય એમાં પણ ધોયેલું ઘી અને કપુર અક્સીર ઔષધ છે.

જેમને સમાગમ વખતે શીધ્રપતનની તકલીફ હોય, વીર્યમાં નબળાઇ હોય કે પછી સ્વપનદોષ થતો હોય એવા પુરૂષોએ ઘી-દુધ અને સાકરનું સવાર-સાંજ સેવન કરવું અતિ લાભદાયક જણાશે..

દૂઝતા હરસમાં પણ ઊપરનો પ્રયોગ ફાયદાકારક જણાયો છે. ઘીના સેવનથી આંખોનુ તેજ વધે.. યાદશક્તિ વધે, શરીરના સ્નાયુઓ મજબુત બને.. હાડકાંની નબળાઇ દુર થાય.. ઘી તાસીરે ઠંડુ હોવાથી પિત્ત-પ્રકૃતિવારાઓ માટે એનું સેવન સારૂં..

આમ ઘી મોંઘું હોવા છતાંય આરોગ્ય જાળવવા માટે કે શરીરમાં શક્તિ ટકાવવી રાખવા માટે એનો વપરાશ જરૂરી છે. આગળના જમાનામાં ઘી-ગોળ અને દુધ ખાનાર ખેડૂતો અને ખેડૂત પત્નીઓ કેટલાં ખડતલ હતાં? આખો દિવસ ખેતીકામ કરે તો લગીરે પણ થાકતાં નહિ… ભારેકામ કરતાં મજુરો પણ એ સમયે ઘી સસ્તા ભાવે પ્રાપ્ત થતું હોવાથી બાજરાના રોટલામાં ઘી-ગોળ નાખીને એક ટાઇમ ખાય તો આખો દિવસ ગધ્ધા-મજુરી કરે તો પણ થાકતા નહિ અને થોડો ઘણો થાક લાગ્યો હોય એ રાત્રે વાળુમાં ખીચડીમાં ઘી નાખીને ખાય એટલે બધો થાક ઊતરી જતો…

 

No Comment

Comments are closed.