Input Content

કુસુમબેનના વાળ ખરી ખરીને સાવ જ ટૂંકા અને પાંખા થઈ ગયા હતા. યુવાનીમાં કુસુમબેનના લાંબા વાળની એમની બહેનપણીઓમાં ચર્ચા થતી. ચોટલા વાળે ત્યારે કમર સુધી પહોંચે એવા લાંબા અને ઘાટા મુલાયમ કાળા વાળ જોઈને એના સરખી એની સખીઓને ઈર્ષા પણ જાગે.

લગ્નજીવનમાં પ્રવેશ કર્યા બાદ ત્રીજી સુવાવડે વાળ ખરવાનું શરૂ થયું તે આજે છેલ્લા ત્રણ વરસથી થોડા થોડા ખરતા ખરતા આજે  સાવ જ ટૂંકા થઈ ગયા હતા. માથું ધોતી વખતે તો વાળનું ઝૂમખ દાંતીયામાં નીકળે.

શેમ્પુનો છુટા હાથે ઉપયોગ કર્યો. અવનવા સાબુ વાપરવામાં પણ કંઈ બાકી ન રાખ્યું. વાળ ન ખરે અને લાંબા થાય એવા બજારમાં મળતા મોટા ભાગના તેલનો ઉપયોગ કર્યો પણ વાળ ખરવાનું ચાલુ જ રહયું પછી વધવાની વાત કયાં આવે.

નવરાત્રી દિવસોમાં કુસુમબેનને અવરનવર મળવાનું થાય. વસ્ત્ર- પરિધાનના શોખીન કુસુમબેનના વાળ જોઈને દયા આવે. એક દિવસ નવરાત્રીના નવરાશના સમયે વાળ ખરવાની વાત નીકળી. કુદરતી ઉપચારમાં એના અકસીર ઈલાજની ચર્ચા થઈ અંને બીજા દિવસે નવરાત્રીમાં જતાં પહેલાં બની- ઠનીને કુસુમબેન મારા ઘેર આવી પહોંચ્યાં અને સીધી પોતાના ખરતા વળની વાત ઉપાડી.

મસાલાવાડી ચટાકેદાર વાનગીઓના રસીયા કુસુમબેનના કોઠામાં ગરમી. મગજ પણ બહુ  ગરમ રહે. કબજિયાતની પણ થોડીઘણી અસર ખરી. વાળ ખરવાના પુરતાં કારણો હતાં. શરીરમાંથી વધારાની ગરમી. કાઢયા વગર તેલ, સાબુ અને શેમ્પુનો ઉપયોગ વ્યર્થ હતો.

મેં એમને સો પ્રથમ પેટ સાફ કરવા માટે સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણનો પ્રમાણસર ડોઝ આપ્યો, રોજ રાત્રે લેવાનો.

ખાવાપીવામાં ગરમ મસાલા બંધ કરાવ્યા, બહારના ચટકેદાર ખાણાં પણ બંધ, ખાટું- તીખું અંને તળેલું પણ બહુ જ ઓછુ. વાયડા પદાર્થો બિલકુલ બંધ મિષ્ટાન અને ચીકણા પદાર્થો પણ બંધ કરાવ્યા. મસાલા વાળી ચા અને રાતની કોફી બંધ કરાવીને સાકર – એલચી નાખેલ દુધનો ઊકાળો લેવાની સલાહ આપી. ગરમ પાણીનું સ્નાન બંધ કરાવીને શીતળ જળ સ્નાનની ભલામણ કરી. અથાણા અને ચટણી પણ બંધ. આમળાનો રસ રોજ બે વખત પીવાનો. ન મળે તો આમળા ચૂર્ણનો ઉપયોગ કરવાનો. જમ્યા પર બે પાંકા કેળા, સવાર- સાંજ શતાવરીની ખીર સાકર અને દુધમાં બનાવીને.

ત્રીફલા ચૂર્ણથી માથું ધોવાનું અને સારી ફાર્મસીનું નીલી ભૃંગરાજ તેલનો ઉપયોગ કરવો.

શંખપુષ્પી સીરપ સવાર- સાંજ એક એક ચમચી પીવાનું.

મહિના દિવસમાંજ કુસુમબેનના વાળ ખરતા બંધ થયા અને બીજા મહિને વધવા ચાલુ થયા. ત્રીજા મહિને તો વાળ ખાસ્સા લાંબા, ભરાવદાર, ગાઢા અને કાળા દેક્ખાવા માંડયા. વરસ્ને અંતે કુસુમબેનના વાળ એમની યુવાનીના દિવસોને યાદ કરાવે એવા લાંબા બની ગયા. અને એમના આ સફળદાયક ઉપચારથી કુસુમબેનની અનેક સખીઓ અને સંપર્કમાં આવતી બહેનો ‘ ખરતા વાળ’ માટે મારી અકસીર સારવાર માટે ઊમટી પડી…

No Comment

Comments are closed.