Input Content

મારા કેન્યાના વસવાટ દરમિયાન નકુરૂ નજીકના કબાઝી સેન્ટરમાં મેં મારા જીવનસાથી ડો.એચ.વી.કેરાઇના સાથ સહકારથી દેશી ઉપચાર કેન્દ્રની શરૂઆત કરેલી. અનેક જાતની ઔષધી વનસ્પતીનો ઉચ્છેર કરીને એમાંથી અનેક રોગોની અકસીર દેશી દવાઓ બનાવવા માટે ખાસ માણસો રોક્યા હતા.

કેન્યાની જમીન આમેય બહુજ ફળદ્રુપ અને મેઘરાજાની મહેર દ્રષ્ટી જેથી વરસાદના પાણીથી દરેક જાતના શાકભાજી ઉગી આવે, ઘઉં, મગફળી બટાટા વિગેરેનો મબલખ પાક પણ વરસાદથી જ થાય છે. આવા પ્રદેશમાં દેશી-ઔષધીના છોડનો ઊછેર બહુજ સંતોષકારક થાય. તુલસી, જાસુદ, અશોક, વૃક્ષ, બારમાસી, સરપંખો,શતાવરી, શંખપુષ્પી, ગોખરૂં, બીલીપત્ર, મહેંદી, ભોંયરીગણી, ઘા-બાજરી, નાગોડ વગેરે છોડ સાથે સાથે કુંવારના અનેક ભોથાનું વાવેતર કર્યું હતું. ખારા લીમડાના આધારે થતો ગળોનો ઉછેર પણ થતો હતો.

કુંવારપાઠાને કેન્યામાં જંગલ વિભાગના અધિકારીઓ “એલો વેરા” તરીકે ઓળખે અને નવા વાવેતર માટે મને જ્યારે અને જેટલા જોઇએ તે ભોથા ફોરેસ્ટ નર્સરીમાંથી વગર કિંમતે મળી રહેતા. કબાઝી સેન્ટરમાં અને આજુબાજુના વિસ્તારમાં દાઝવાના કિસ્સાઓ બહુજ બનતા. હેલ્થ સેન્ટરમાં કોઇ દવાની પુરી સગવડ નહિં જેથી વધારે દાઝેલાને અગાઉ અહિંથી ત્રીસ કીલોમીટર દુર નકુરૂં હોસ્પિટમાં લઇ જવા પડતા. કુંવાર પાઠાના પ્રયોગ પછી કોઇપણ દાઝેલો કેશ બહાર જતો નહિં. બલ્કે આજુબાજુના વિસ્તારમાંથી ચમત્કારીક ડ્રેસીંગનો લાભ લેવા માટે દર્દીઓની અવરજવર રહેતી.

દુઝતા હરસમાં પણ હું એનો છુટથી ઉપયોગ કરતી. કુંવારનો રસ અને ગર્ભ આશરે પાંચ તોલા લઇને એમાં એક તોલા સાકરનો ભુક્કો અને અડધા તોલા હળદરમાં અતિ પિડા થાય કે બળતરા થાય ત્યારે કુંવારપાઠાને ગુદાની બહાર બાંધવાનો પ્રયોગ પણ કરતી જેનાથી દુ:ખાવો અને બળતરા તાત્કાલીક બંધ થઇ જતા.

આ પ્રયોગમાં પેટ સાફ રાખવા માટે ઇસબગુલનો વપરાશ થતો. આ પ્રદેશમાં વારેઘડીએ વરસાદ થતો હોવાથી ઇસબગુલની ખેતી અશક્ય બનતી જેથી એ બહારથી મંગાવવું પડતું. તાજી છાસ અને ત્યાંજ તૈયાર થતાં. સુરણના શાક લેવાની સલાહ આપતી. ગરમ મસલો તો આમેય આફ્રીકન પ્રજાના લીસ્ટમાં ન હોવાથી અને એમનો ખોરાક સાદો અને બાફેલો હોવાથી ફકત રોજ ખવાતા બટેટાની પરેજી રખાવતી. થોડાજ દિવસોમાં હરસનું દર્દ ગાયબ થઇ જતું. લોહી પડવાનું તો બીજે જ દિવસથી બંધ થઇ જાય.

શરીરની ફીકાશ અને હદયના વધારે પડતા ધબકારામાં પણ કુંવારપાઠાનો ઉપયોગ લાભદાયક જણાયો છે. કુંવાર પાઠાનો રસ પીવાથી પાચનક્રિયા સુધરે છે. કુંવારનું અથાણું પરદેશમાં આજે પણ લોકો હોંશે હોંશે ખાય છે. પેટના સખત દુ:ખાવા વખતે કુંવારપાઠાના ગર્ભનો પાટો પેટ પર બાંધવાથી અને કુંવારનો રસ પીવાથી ચમત્કારીક લાભ જણાય છે.

આંખના conjunctivitis જે ચેપીરોગ છે. એમાં કુંવારપાઠાનું લાબળુ (પાનની અંદરનો ઘી જેવો સફેદ પદાર્થ) આંખમાં આંજવાથી એનાથી ઘણો લાભ જણાયો છે. આ પદાર્થ ઘણી વખત નાની નાની સીસીઓમાં પેકીંગ કરીને પણ જરૂર પ્રમાણે દર્દીઓને અપાતો.

કુંવારનો રસ જેને આપણે કુમારી આસવ તરીકે ઓળખીએ છીએ. એ પાચન, પેટના અન્ય દુ:ખાવા, પેટમાં સોજા ઉંપરાત ગર્ભાશયની તકલીફ અને માસીકની તકલીફમાં પણ છુટથી વપરાય છે. બહેનો માટે એ આર્શીવાદરૂપ દવા છે. જ્યુસરમાં કુંવારરસ કાઢીને બાટલામાં ભરીને જરૂર પ્રમાણે વાપરી શકાય.

No Comment

Comments are closed.