Input Content

આજકાલની પ્રજા મોડી સૂવે અને મોડી ઊઠે. ઘરમાં મોટેરાં કહી કહીને થાકે પણ થોડો સમય માને. પાછા એમને એમ જ. એના ઉજાગરા કાયમના, રાત્રે જમવાનું મોડું, ફરવાનું મોડું, ફળિયામાં કે સોસાયટીમાં બેસવાનું મોડું, ટી.વી. ના અર્ધી રાત્રીના સિરીયલો કે ખાસ ફીલ્મ જોવાની કુટેવ, મોટે ભાગે રાત્રે અગિયાર પછી જ સુવાનું થાય. આ રોજિંદા ઉજાગરા થાય કેટલે અંશે નુકશાનકારક અને કેટલે અંશે ફાયદાકારક? ઉજાગરા ફાયદા તો દીવો લઇને ગોતવા પડે પણ નુક્શાન તો કોમેન્ટ્રી તરીકે આપી શકાય તેટ્લાં.

અમુક ઉજાગરા જરૂરિયાત હોય છે અમુક ઉજાગરા ફરજિયાત પણ હોય છે. રાતપાલી કરતા મોડે સુધી કામ કરતા મનુષ્ય માટે ઉજાગરા જરૂરીયાત માટે છે…. અષાઢ-શ્રાવણ માસમાં ગૌરીવ્રત, વડસાવિત્રી, નવરાત્રી અને શરદપૂનમના ઉજાગરા ફરજિયાત જાગરણ તરીકે હોય છે.

ઊનાળાના ઉજાગરા પિતશામક માન્ય છે. છતાંય એની મર્યાદા વટાવી જવાની હાનિકારક પૂરવાર થાય છે. બહેનોના મોટાભાગના વ્રત-જાગરણ વર્ષાઋતુમાં આવતા હોવાથી વાયુ-પ્રકોપ દર્દથી પીડાયા વગર બહેનો બાકાત રહેતી નથી.

નવરાત્રીના ઉજાગરામાં થોડીવાર રાત્રે આઠ થી દસ ઊંઘ ખેંચીને નવરાત્રીનું જાગરણ કરવાની સલાહ આપવામાં આવે છે. સતત દશ દિવસના ઉજાગરા ગમે તેવી વ્યક્તિને પણ આડઅસર કરે છે. મોટે ભાગે દિવસના કાર્યમાં ખલેલ જરૂર પડે છે.

મોડી રાત સુધી ચાલતા ભજનો, નાટક, ભવાઇ, સિનેમા, શાળાના પ્રોગ્રામો,લગ્ન-પ્રસંગો, મીટીંગો ભોજન-સમારંભો, ખાસ પર્ટીઓ, પ્રવચનો, ચૂંટ્ણી-પ્રચાર ઉજાગરાને નોતરે છે અને લાંબે ગાળે અનેક તકલીફોને પણ આમંત્રણ આપે છે. રાત્રીવર્ગો, રાતની મુસાફરી, માદાં માણસ પાછળ થતા હોસ્પિટલના ઉજાગરાઓ, વિધાર્થીઓનું રાત્રીવાંચન, મોડી રાત સુધી લેખન કરતા લેખકો કે કવિતાઓ રચતા કવિઓ, જુગાર રમતા જુગારીઓ, મુસાયરા કે ગણિકાને ત્યાં નાચગાન જોવા જતા રસિયાઓના ઉજાગરા, રાત્રે ખોટો ધંધો કરતા ચોરોના ઉજાગરા- આ સૌને એક યા અન્ય રોગના ભોગ બનવું જ પડે છે. રાત્રે ઉજાગરા વેઠીને દિવસની નિંદા કરનારનું આરોગ્ય કદી તંદુરસ્ત રહેતું નથી. રાત્રે ગપ્પા મારનાર કે ગ્રામીણ વાતો કરવામાં ઉજાગરા વેઠનાર વ્યક્તિ સામે ચાલીને અનેક તકલીફોની નોબતને નોતરે છે.

મોટા ભાગના રાતના ઉજાગરા વાયુનો પ્રકોપ કરનાર છે. જરૂરી સમયે જરૂરી વાતાવરણમાં શરીરને આરામ ન મળતા વાયુ રૂઠે છે અને એંસી પ્રકારના વાયુના રોગોમાંથી કોઇપણ રોગનું આક્ર્મણ થઇ શકે છે. મોડે સુધી નાહકના ઉજાગરા કરનાર વ્યક્તિઓ ચેતે.

વાયુના રોગોમાં લકવો, સાયટીકા, કમરનો દુ:ખાવો આમવાત કે સંધીવાત જેવા રોગો…. ગેસના રોગોમાં આફરો, અપચો, પેટનો દુ:ખાવો, શૂળ, મંદાગ્નિ, કબજિયાત, અશક્તિ, થાક, સુસ્તી, વાયુની શરદી, છીંકો, તાવ, ઉધરસ, આંખના રોગો, મગજની નબળાઇ, બ્લ્ડપ્રેસર, યાદશક્તિની નબળાઇ, અનિંદ્રા, બહેરાપણુ વિ. રોગો પેદા થાય છે. તેમાંય જેમને વાયુનો કોઇપણ રોગ લાગુ પડ્યો હોય, ગેસ હોય, શરીરમાં અશક્તિ હોય, માનસિક રીતે નબળાઇ વર્તતી હોય, મેદસ્વી અને કફ-પ્રકૃતિવાળાને ઉજાગરા વધારે નડે છે.

આયુર્વેદમાં દિવસની નિંદ્રાનો નિષેધ છે તેવી જ રીતના રાત્રે જાગવાનો પણ નિષેધ છે. રાત્રે ઉજાગરા વેઠીને દિવસની ઉંઘ ખેંચનાર વ્યક્તિ ભાગ્યે જ તંદુરસ્ત હોય છે. રાતપાળી કરનાર વ્યક્તિ કોઇને કોઇ બિમારીના સકંજામાં સંકળાયેલો જ હોય છે. પણ એ એની જરૂરિયાત છે.

શોખ ખાતર થતા ઉજાગરા તજવા યોગ્ય છે, રાત્રી પ્રોગ્રામોને પ્રોત્સાહન આપવું જરૂરી નથી, ટી.વી. માં આવતા સારા પ્રોગ્રામો મોડી રાતના હોય તો એનો પણ ત્યાગ કરવામાં અચકાવવું નહિં. શરીરની તંદુરસ્તી વહેંચીને ઉજાગરા કરવા એ કોઇ પણ રીતે માનવ આરોગ્યને ઊપયોગી નથી. જરૂરિયાત કે ફરજિયાત ઉજાગરાને બાદ કરતાં થતા ઉજાગરા મન, મગજ અને શરીર માટે હાનીકારક છે…..

મોડી રાત સુધી ઉજાગરા કરતો અને સૂર્યોદય પછી ઉંઘ ખેંચતો માનવી જીવનનું સાચું સુખ મેળવી શકતો નથી અને સાચી તંદુરસ્તીના ફળ પણ ભોગવી શક્તો નથી.

ઉજાગરા એ કુદરતી નિયમના વિરુધ્ધનું વલણ છે. રાત્રે શિયાળામાં મોડામાં મોડું સૂવાનો સમય સાડા નવથી દશ અને જાગવાનો સમય સવારે 6 થી 6.30 વાગ્યે….. ઊનાળામાં સૂવાનો સમય મોડામાં મોડો 10 થી 10.30 અને સવારે ઉઠવાનો સમય 5 થી 5.30 હોય છે. શિયાળામાં રાત્રે પૂરતી ઉંઘ મળતી હોવાથી દિવસે સૂવુ નહિં. ઊનાળામાં રાત્રે ઉંઘ ઓછી લેવાતી હોવાથી બપોરે પોણોથી એક કલાક સૂવાની  છૂટ… મર્યાદા જરૂરી.

ઉજાગરા ગમે તે સંજોગોમાં કરવામાં આવતા હોય પણ શરીર માટે નુકશાનકારક છે. બની શકે ત્યાં સુધી ઉજાગરા ન થાય એવું વાતાવરણ રચવું અને જો કરવા પડે તો બની શકે એટલા ઓછા થાય એવો પ્રયાશ કરવો અને જરૂરિયાત કે ફરજિયાત ઉજાગરાથી જો ઘણી શારિરીક તકલીફો થતી હોય તો એમાં પણ બદલી કરી નાખવી… કે કાપ મુકવાની કોશીષ કરવી. આરોગ્ય અને શરીર બરાબર હશે તો બધું પહોંચી વળાશે. માંદલું શરીર કંઇ જ કામનું નથી. એ સમજીને ઉજાગરાને મહત્વ આપવું. ‘પહેલું સુખ તે જાતે નર્યા’ સમજનાર વ્યક્તિ વ્યર્થ ઊજાગરાથી દુર રહે છે.

No Comment

Comments are closed.