Input Content

ડો. એચ. વી. કેરાઇ (પી. એચ. ડી.) નું

ટુંકુ જીવન ચરિત્ર

ડો. હરજીભાઇ વાલજીભાઇ કેરાઇ‌-સામાન્ય રીતે ડો.એચ.વી. કેરાઇ તરીકે જાણીતા-સ્વામિનારાયણ વિશ્વ સંપ્રદાયમાં ઘરગથ્થુ નામ બની ચુકયા છે. સ્વામિનારાયણ સત્સંગના મોટા ભાગનાં પ્રકાશનોમાં એમનાં લખાણો આવતાં રહે છે. વિશેષમાં ભુજ મંદિરથી પ્રકાશીત થતાં “શ્રીસ્વામિનારાયણ સંદેશ” માં ત્રણ વર્ષ માટે તંત્રી મંડળમાં રહીને એમણે તમામ સત્સંગી વર્ગમાં સારી ખ્યાતી મેળવી છે. છેલ્લે છેલ્લે સ્વામિનારાયણ ભગવાનના જીવન ચરિત્રની અંગ્રેજી આવૃતિ બહાર પાડીને એ પુસ્તકને નરનારાયણ દેવ ગાદીના છઠા ધ.ધુ.પ.પુ. મોટા આચાર્યશ્રીને એમના ૬૦માં જન્મ દિવસના દિવ્ય પ્રસંગે ખાસ ભેટ અર્પણ કરીને પુજ્ય આચાર્યશ્રીના હાથે ગ્રંથનું વિમોચન કરાવ્યું ત્યારથી વિષેશ નામના મેળવી છે.

ડો.એચ.વી.કેરાઇનો જન્મ કચ્છ-માંડવી તાલુકાના રામપર-વેકરા ગામે ૧૯૪૦માં થયો હતો. તેમના પિતા શ્રી વાલજીભાઇ પ્રેમજીભાઇ કેરાઇ અને માતૃશ્રી કાનબાઇ વાલજી કેરાઇ પિતાશ્રી કેન્યામાં વહેલા ધંધાકીય ક્ષેત્રે સ્થાયી થયા હતા. ડો. હરજીભાઇ કેરાઇ સને ૧૯૫૩માં પ્રથમવાર સ્ટીમર મારફત કેન્યામાં મોમ્બાસા બંદર મારફત નાઇરોબી ગયેલા.

એમનું પ્રાથમીક અને સેકન્ડરી શિક્ષણ નાઇરોબીમાં જ થયેલું. કેન્યા પોલીટેકનીકમાં સીવીલ ઇન્જીનીયરનો એમણે ડીપલોમા કરેલો અને ત્યાર બાદ આયુર્વેદનો અભ્યાસ ભારતમાં કરેલો.

કેન્યામાં નાની વયે ભણવા-ગણવામાં અને રમત-ગમતમાં હોશિયાર. ત્યાંના ગુજરાતી અખબાર અને માસીકમાં તેમના લેખો અવરનવર પ્રસિધ્ધ થતાં. નાની વયે સારા વક્તા તરીકે બહાર આવ્યા. કેન્યાની આઝાદીની ચડવડમાં પણ એમને નાની વયે સક્રીય ભાગ લીધેલો.

કેન્યામાં એશીયાઇ અને આફ્રીકી પ્રજા વચ્ચેના સારા માધ્યમ તરીકે બહાર આવ્યા. રાષ્ટ્રીય ક્ષેત્રે મુખ્યત્વે વિકલાંગ,અનાથ અને અંધ સંસ્થાઓમાં એમનો ફાળો સક્રિય રહયો. એવી અનેક સંસ્થાઓમાં ‘સ્પેશીયલ ઓલીમ્પીક્સ’ ના પ્રમુખપદે રહીને એમણે અમેરીકા અને યુરોપમાંથી દેશ માટે ઘણાંય મેડલો મેળવ્યાં છે.

કેન્યામાં ભારતીયો માટેની ખાસ સંસ્થા ‘હિંદુ કાઉસીલ ઓફ કેન્યાના’ રાષ્ટ્રીય ઊપપ્રમુખ અને શાખા પ્રમુખ તરીકેની એમની ઉમદા સેવાઓ અગ્રણીય સ્થાને હતી. કેન્યા ટી.વી. પ્રસારણમાં તેઓ હમેંશાં ઝબકતા રહેતા. એમના નિખાલસ પ્રવચનો કેન્યાના અખબારોમાં ખુબ જ ચમકતા. એમના મોટાભાગના પ્રોગ્રામોનું ટી.વી. પ્રસારણ થતું.

કેન્યાની આઝાદીના ૨૫ વર્ષની ઊજવણી અને પ્રેસીડન્ટ મોઇના દશ વર્ષીય ‘ન્યાયો સેલીબ્રેશન’ ૧૯૮૮માં ડો. હરજીભાઇ કેરાઇએ તમામ ક્ષેત્રે જબરજસ્ત ફળો આપીને ત્યારના પ્રેસીડન્ટને મોઇના હાથે આગવું બહુમાન મેળવેલું.

એમનાં માતુશ્રીની નાતંદુરસ્ત તબિયતને કારણે એમણે ૧૯૯૫માં કેન્યા છોડ્યું અને કચ્છમાં અંજાર શહેરમાં સ્થાઇ થયા. અંજારમાં કુદરતી ઊપચાર અને આયુર્વેદના નિષ્ણાંત તરીકે સેવા આપીને એમણે અનેકનાં દર્દ મટાડ્યાં.

લખાણ ક્ષેત્રે એમને અનેક કૃતિઓ બહાર પડી છે. અનેક અંગ્રેજી માસીકોમાં એમનાં અદભુત લખાણો પ્રસિધ્ધ થયેલાં છે. ‘મૃત્યુ પછીના જીવન’ પરની એમની ડોકટરી અને સ્પીરીટ્યુલ સાયન્સ પરની એમની Ph.D. એમના અદભુત જ્ઞાનને પ્રકાશીત કરે છે.

ગુજરાતીમાં એમણે પોતાનાં આગવાં પુસ્તકો બહાર પાડ્યાં છે.

ડો. હરજીભાઇ એક અનુભવી લેખક હોવા ઊપરાંત એક સારા પત્રકાર પણ છે. વિદેશમાં એમણે અમુક અંગ્રેજી અખબારોમાં ઉમદા સેવા આપી છે અને અત્યારે પણ આપી રહેલા છે.

એમને સંતોનોમાં પ્રથમ દિકરી લક્ષ્મી આજે લંડનમાં ભંડેરી પરિવારમાં સ્થાયી થઇ છે. બીજા નંબરે દિકરો નરેશ પણ લંડનમાં સ્થાયી છે. અને નાના પુત્ર રાજેશ લંડનમાં સી.એ. કરીને ત્યાંજ સ્થાયી થયેલ છે. પાલક પુત્રી મંજુ ભુજમાં સ્થાયી છે. એમના વડીલ બંધુ ડો. કાનજીભાઇ લંડનમાં એક સારા અને સફળદાયક ‘ઓલ્ટરનેટીવ મેડીશીનના નિષ્ણાંત તરીકે સેવા આપે છે. એમનાં મોટાં બહેન અમૃતબેન વેકરા-કચ્છમાં શીઆણી પરિવારમાં સ્થાયી છે.

એમના ધર્મપત્ની શ્રીમતી પુષ્પાબેન કેરાઇનો ડોક્ટરશ્રીના જીવનમાં અગત્યનો ફાળો રહિયો છે. કેન્યામાં મોટા ભાગની રાષ્ટ્રીય પ્રવૃતીઓમાં તેઓશ્રી ડોકટર સાથે ખભેખભા મીલાવીને રહયાં હતાં.

સને ૧૯૮૬માં કેન્યાના સ્કાઉટસ અને ગર્લ- ગાઇડઝ એસોસીએશનના જબરજસ્ત પ્રોગ્રામમાં ડો. અને શ્રીમતી કેરાઇના દાંપત્ય જીવનના પચીસ શાંતીપુર્વક વર્ષ બદલ એક “અજોડ સુખી અને શાંતિમય દંપતી” તરીકે ખાસ સન્માન કરવામાં આવ્યું હતું.

ડો હરજીભાઇ કેરાઇ પ્રજા-સંપર્કમાં નિષ્ણાંત રહયા છે. કેન્યાની તમામ પ્રજાઓ જોડેના એમના સબંધો અગ્રણીયે સ્થાને હતા. આજે અંજારમાં પણ પંચરંગી પ્રજા વચ્ચે તેઓ ખુબ હળીભળીને રહયાં છે. એમનો પ્રજા સંપર્ક અદભૂત છે. એમની માનવ-સેવાઓ પણ પ્રશંસનીય છે. ‘આહાર શુધ્ધી’ પરનાં એમનાં પ્રવચનો લોકપ્રીય છે. ગુજરાતી અખબારોમાં આરોગ્ય પરના એમનાં લેખો પ્રભાવીત છે. એ સિવાય અત્યારે ડો.કેરાઇ છાપાંઓમાં ‘ફરિયાદ’ ક્ષેત્રે બહુજ આગળ છે. એમની નિડર કલમ સામાન્ય પ્રજાનાં હીત માટે ધણું કહી જાય છે.

અંજાર તાલુકાનારાષ્ટ્રીય સેવા સંઘમાં તેઓની જાણીતી છે. અંજાર નગરપાલિકાની ગુજરાતભરમાં પ્રથમ રચાયેલી સીનીઅર સીટીઝન કાઉન્સીલ સમીતીમાં NRE સમીતીના તેઓ ચેરમેનપદે છે. કષ્ટ્સાધ્ય રોગોમાં આજે પણ દુર દુરથી દર્દીઓ એમનો સંપર્ક સાધે છે.

ડો. કેરાઇ એક બહુ જ સારા અને પ્રભાવીત પ્રવકતા છે. એ જ્યાં જ્યાં પ્રવચનો આપે છે ત્યાં માનવ-મેદની એકઠી થાય છે. એ એક સારા પ્રોગ્રામ ઓર્ગેનાઇસર પણ પુરવાર થયા છે. પ્રોગ્રામ સંચાલક તરીકેની એમની કાર્ય્વાહી અગ્રણીય સ્થાને છે.

અંજારમાં યોગેશ્વરનગરમાં રહીને પોતાની આગવી કલમ સેવા અને માનવ સેવા આપી રહયા છે. સો વર્ષનો કિનારો વટાવી ગયેલા એમના વયોવૃધ્ધ માતાજીની સેવામાં બન્ને દંપતીએ તન,મન, અને ધન અર્પણ કર્યા હતાં. એમની માતૃસેવા અદભૂત હતી. એ આજના સંતાનો માટે એક અજોડ દ્રષ્ટાંત છે. સંતાનોને મા-બાપની સાચી સેવાનું જીવતું જાગતું દ્રષ્ટાંત એટલે ડોક્ટર અને શ્રીમતી પુષ્પાબેન.

એમનું જીવન સરળ, સફળતાદાયક અને શાંતિમય બને એના માટે પ્રભુ પરમેશ્વર પાસે પ્રાર્થના કરીએ.

 

શ્રી જગદીશભાઇ સોરઠીયા

સોરઠીયા કોમ્પ્યુટર

અંજાર(કચ્છ).

(એમના અંગ્રેજી બયો-ડાટાના આધારે અને એમનાં ગુજરાતી પ્રકાશન “શ્રી સ્વામિનારાયણ ભગવાન” માં પ્રસ્તુત ‘જીવન ઝરમર’ આધારીત)