Input Content

ગુજરાતમાં સરગવો શહેર, ગામડામાં અને વાડીએ વાડીએ જોવા મળે છે…. એનો વપરાશ પણ એટલો જ છે… સરગવો એ આહાર અને ઔષધીય દ્રવ્ય તરીકે બહુ જ ઉપયોગી પુરવાર થયો છે. સરગવાની કઢી જો બરાબર બનાવી હોય તો આંગણાં ચટાવે. બરાબર યોગ્ય મસાલો ભરીને સરગવાનું શાક બનાવવામાં આવે તો બહુ જ સ્વાદિષ્ટ થાય છે.

હોશિયાર ગૃહિણીએ જો આમાં થોડું ધ્યાન આપે તો પતિદેવને ખુશ કરી દે એવું શાક બની શકે… રીગણાં, બટાટાના શાકમાં સરગવાના ટૂકડા નાખવાથી શાકનો સ્વાદ કંઇ ઓર જ આવે છે… દાળમાં કે ભાજીમાં પણ સરગ્વો નાખવાથી શાક સ્વાદિષ્ટ લાગે છે. સરગવાના સુપમાં ઓર જ મજા હોય છે. જમ્યા પહેલાં સૂપ પીવાથી લહેઝમ બહુ ઊંચી હોય છે.

સરગવો ગુણમાં રસે કડવો, સ્વભાવે તીખો, તાસીરે ગરમ અને લુખો હોવાથી પાચન કાળે તીખો હોવાથી ખાસ લાભદાયક જણાયો છે એ સિવાય કૃમિ, શરદી, શ્વાસ, દમ, ઊધરસ અને પ્રમેહ જેવા દર્દોમાં સરગવાનું સેવન લાભદાયક જણાવ્યું છે.

પેટ અને પાચનની તકલીફોમાં સરગવો અકસીર જણાયો છે. અરૂચિ, અજીર્ણ, મંદાગ્નિ, ગોળો અને કબજિયાતના દર્દીએ સરગવાનો ઊપયોગ વધારે પડતો કરવો હિતાવહ છે… સરગવો ગુણે ગરમ અને તીખો હોવા છતાંય આંખોનું તેજ વધારવામાં અસરકારક છે.

સરગવાનું એક યા અન્ય રૂપે સેવન કરવાથી શીરશૂલ, આળસ, તંદ્રા, વધારે પડતી ઊંઘ અને મંદબુદ્વિમાં ઘણો લાભ કરે છે. આવા દર્દીઓને સૂકવેલા સરગવાનું બી સાથે ચૂર્ણ બનાવીને એનું નસ્ય લેવાથી વધારે ફાયદો થાય છે. સરગવાનાં બી કામવાસનાને કાબૂમાં લેતાં હોવાથી ત્યાગીઓ અને બ્રહ્યચારીઓ એનો સદુપયોગ કરતા હોય છે.

શરીરના કોઇપણ ભાગમાં સોજો, ગાંઠ કે વૃણ થયું હોય, ચામડીના હઠીલા રોગો, શરૂઆતનું કેન્સર, વાયુના તમામ રોગોમાં સરગવાનું સેવન લાભદાયક જણાયું છે.

સરગવાનું તેલ પણ વાત રોગોમાં માલીસ માટે વાપરી શકાય.

સરગવો પેટના દર્દ માટે અકસીર પુરવાર થયો છે ત્યારે એપેન્ડીસાઇટીસના સખત દુ:ખાવામાં પણ ઝાડનાં મૂળનો અડધો કપ રસ લઇ હીંગ અને સંચળ સાથે દર બે કલાકે પીવાથી ઘણી રાહત થાય છે. આજ રસનો લાંબા સમય સુધી વપરાશ કરવાથી પેશાબમાં જામેલી પથ્થરી પણ ઓગળીને બહાર આવી જાય છે.

સરગવો પ્રાપ્ત કરવો બહુ જ સહેલો છે. અને ઠેર ઠેર ઉગાડવામાં આવતો અને વગર મહેનતે સારી પેદાશ આપતો સરગવો એટલો મોંઘો પણ નથી હોતો.

ગરમ તાસીરવાળા અને મુખ્યત્વે એસીડીટી-પિત્ત, અલ્સર, હરસ-મસા, ઊનવા જેવા રોગીઓ એ સરગવાનું સેવન બહુ જ મર્યાદીત કરવું અથવા તો સમય પુરતું ન પણ કરવું.

સરગવાનો સૂપ જો ઘેર ઘેર વાપરવામાં આવે કે સારી લોજ કે રેસ્ટોરન્ટમાં એનો ઉપયોગ થાય તો આરોગ્યહીત ગણાય.

સરગવાની શિંગો જલ્દી બગડતી નથી. તેમ છતાંય એને સાચવીને રાખવામાં આવે કે ફ્રીઝમાં રાખવામાં આવે કે પાણીમાં ભીની રાખવામાં આવે તો એનાં ગુણ લાંબો સમય સુધી સચવાઇ રહે છે.

No Comment

Comments are closed.