મુંબઇના કરોડપતિ શેઠ રમણલાલની એકની એક શિક્ષીત અને સુંદર પુત્રવધુ કામીનીની રહસ્ય બિમારીએ ઘરમાં, આડોશ-પડોશમાં, સગાં-વહાલામાં અને મિત્ર-વર્તૂળમાં સોંપો પાડી દીધો. પિયેરમાં કામીનીનાં માતા-પિતા, વૃદ્વ દાદા-દાદી અને ભાઇ બહેનો પણ વ્યાધીમાં ગરકાવ થઇ ગયાં.
છેલ્લાં બબ્બે વરસથી કામીનીની અલાયદા સારવાર કરતા પાંચ પાંચ દાક્તરો પણ એની બિમારીનું કોઇ નામ શોધી શ્ક્યા નથી.શહેરના નામાંકિત દાક્તરોની અધતન સારવાર, મોંઘીદાટ ગોળીઓ અને ભારેમાં ભારે ઇંજેક્શનો પણ જટીલ દર્દને લગીરે પણ મચક આપી શક્યા નથી.
ચોવીસ કલાક વારાફરતી બબ્બે નર્સોની સગવડ પણ રાખવામાં આવી છે. દાકતરોની સૂચના પ્રમાણે ખાવા-પીવામાં પણ પૂરતી તકેદારી રાખવામાં આવે છે. દેશી ઉપચારનો પણ કોર્સ કરવામાં આવ્યોછે. આજસુધી કોઇપણ સારવાર કામીનીના દર્દમાં માફક આવી નથી.
અનેક દેવ-દેવીઓની માનતાઓ અને, બાધાઓ પણ રખાવી છે દોરા-ધાગા, જંતર-મંતર, ભૂવા ધૂણાવવા, ડાકલાં વગાડવાં અને પીછાં ફેરવવામાં પણ ઊણપ રાખી નથી. છતાંય ઘર કરી ગયેલી બિમારી લગીરે પણ પીછેહટ કરતી નથી ગરીબોને દાન-પુન્ય કરવામાં, ગાયોને અઢળક ચરો નાંખવામાં અને પક્ષીઓને ચણ નાખવામાં રમણલાલ શેઠે લગીરે પણ મર્યાદા રાખી નથી.
શરદી કામીનીનો છેડો મૂકતી નથી. શરદીની સારી દવા વાપરતાં માથું ફાટી પડે છે. શરીરમાં સખ્ત બળતરા ઊપડે છે. ઠંડા ઉપચાર કરવાથી નાકમાં પાણી વહેવા મંડે છે. અને કાનમાં બહેરાશ આવી જાય છે. ખાવામાં રૂચિ રહેતી નથી. પ્રવાહી પીતાં ઊબકા સાથે ઊલ્ટી થઇ જાય છે. પેટ્માં ચૂંક સાથે ઝીણો દુ:ખાવો ચાલુ જ છે. દવા ખાવાથી પેટમાં ચૂંક આવે છે. આખા શરીરે ત્રાસ દેતો વાયુ કોઇપણ જાતની દવાથી કાબુમાં આવતો નથી. રાતે વારે વારે ઝબકીને જાગી જવાય છે. નઠારાં સ્વપ્ન આવે છે. ભય અને ભીતી કેડો મૂકતી નથી.
દાક્તરો બદલાતા ગયા. દવાઓ બદલાતી ગઇ. ક્યારેક સારૂં જણાય. બિમારી કાબુમાં આવતી લાગે થોડા દિવસ પછી એનું એજ.
રમણલાલ શેઠે પોતાની પથારી વશ પુત્રવધુની માંદગી હળવી કરવા માટે મદ્રાસ, દીલ્હી અને કલકત્તા જેવાં શહેરોમાંથી મોં માગી ફીઝ આપીને નામાંકિત નિષ્ણાંતોને પણ વિઝીટ માટે બોલાવ્યા. વિદેશથી અમુક સમયે ખાસ દર્દીઓ માટે મુંબઇ આવતા મોંઘાદાટ ગોરા દાક્તરો પાસે પણ તપાસ કરાવી જોઇ. પણ દર્દ ઘટવાને બદલે વધતું જ ગયું.
પોતાની રૂડી-રૂપાળી યુવાન વહુને આમ કરમાતી જોઇને સાસુ પાનીબેનની ચિંતાનો પાર નહિ. પોતાના દિકરા માટે ‘દાગીનો’ ઊપાડી લાવેલનો ગર્વ લેતી માતૃશ્રીએ એક ઊડો શ્વાસ કાઢ્યો. અને ડૂબતો જેમ તણખલું પકડે એમ પાનીબેન પોતાની જુની ઓળખાણના બળે વહેલી સવારનાં કોલાબામાં આવેલી મારી કલીનીકમાં આવીને ધ્રુસકે ધ્રુસકે રોઇ પડયાં.
ભલભલા મહારથી દાકતરોની સારવારથી હાથ ધોઇ બેઠેલાં પાનીબેન મારા જેવા સામાન્ય મનોચિકિત્સક. દાકતર પાસે આંતરડાં કાઢતાં જોઇને વિસ્મય પામવાનાં મારી પાસે પુરાં કારણો હતાં.
પાનીબહેન પાસેથી એની કુળવધુની પુરતી આપવીતી સાંભળ્યા બાદ મેં કામીનીનો કેશ હાથમાં લીધો. છેલ્લા એક વરસ દરમિયાન થયેલા ઉપચારનો મેં અભ્યાસ કર્યો. તમામ રીપોર્ટસ પર નજર ફેરવી. ગમે તેવાં દર્દને કાબુમાં લઇ લે એવા નિષ્ણાંત દાક્તરોનું નિદાન અને પ્રીસક્રીપ્સન જોઇને કોઇ આશંકા જેવું ન જણાયું.
એજ વિસ્તારમાં આધુનિક બંગલામાં ખાટલે પડેલી કામીનીની રૂબરૂ મુલાકાતમાં મેં એના કરમાયેલા ચહેરા પર ઊંડી ઊતરેલી ફીક્કી આંખો પર નજર ફેરવી. હતાશા અને થકાવટની લહેરીઓ વચ્ચે નસોની તંગદીલી, શ્વાસ લેવામાં પડતી તકલીફ, નાડીની ધીમી ગતી, હદયના વધારે પડતા ધબકારા અને શરીરનું ક્ષીણ તાપમાન આ સઘળાં મારાં કાર્યક્ષેત્રમાં રીઢાં ગુન્હેગારો હતાં. પાનીબેનનું આવા સમયે મારી ક્લીનીકમાં આવવું મને યથા-યોગ્ય લાગ્યું.
બબ્બે વરસથી ખાટલે પડેલી કામીનીનો તમામ શારીરિક દર્દોનું મૂળ મને એના મગજતંત્રમાંથી પેદા થતું દેખાયું. અને નવાઇની વાત તો એ હતી કે આટઆટલા સ્પેશ્યાલીસ્ટોના સંપર્કમાં કોઇ ન્યુરોલોજીસ્ટનો સંપર્ક સાધવામાં આવ્યો નહોતો. માનસિક રોગના પરિણામે ઊત્પન્ન થતી શરદી, પેટની ચૂંક, વાયુનો ત્રાસ, લો બ્લડ પ્રેસર અને અશક્તિમાં એની પેટેન્ટ દવાઓ જોઇએ તેવો પડકારન આપે એ સ્વાભાવિક છે.
કામીનીનાં લગ્ન પહેલાંના જીવનની જરૂરી માહિતી એનાં પિયેરમાંથી મેળવી. કોલેજમાં ભણતી એની ખાસ સખીઓ પાસેથી પણ અમુક ખાસ વાતોની નોંધ લીધી. કોલેજના પ્રીન્સીપાલનો પણ અભિપ્રાય મેળવ્યો.લગ્નજીવનમાં પ્રવેશ કર્યા પહેલાંની કામીનીની એક આછી રૂપરેખા તૈયાર કરી. સંસાર માંડ્યા પછીનાં બદલાયેલાં વાતાવરણનો પણ ઊંડો તારણ કાઢયો. કામિની ને એકાંતમાં જરૂરી પ્રશ્નો પણ પૂછી જોયા. સમજુ સાસુને પણ દીકરા-વહુના સબંધ વિષે પુછપરછ કરી અને છેવટે કામીનીના શાંત સ્વભાવના સફળ બીઝનેશમેન પતિ મુકેશની પણ એકાંતમાં મુલાકાત લીધી. સુહાગરાતથી માંડીને છેલ્લા શારીરિક સંબંધ વિષે પણ જરૂરી પ્રશ્નો પુછ્યા અને સમજુ મુકેશે યથા-યોગ્ય સત્ય કહી સંભળાવ્યું. માયસોરમાં ઊજવેલ હનિમુનની પણ આપવીતી કહી સંભળાવી.
અને મેં મારા જ્ઞાન, ભણતર એન અનુભવના સહારે મુંબઇના પ્રખ્યાત ધનકુબેર શેઠ રમણલાલના ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસીડેન્ટ મુકેશકુમારની પ્રોફેસર અને એક વખતની ચાર્મીંગ ધર્માપત્ની શ્રીમતી કામીની દેવીના ગૂંચવાયેલા કેશનો યથા-યોગ્ય ઉકેલ લાવવા માટે હામ ભીડી, એક અતૂટ વિશ્વાસ પર સવાર થઇને…..
મુંબઇના જુહુ વિસ્તારમાં શિક્ષિત મહિલા ગ્રુપની તેજસ્વી યુવા-મંત્રી, આર્ટસ કોલેજની પ્રભાવશાળી પ્રોફેસર, પાર્લાની લોકપ્રિય સેવાભાવી કાર્યકર અને હજારોની મેદનીથી છલકાતી સભામાં તાડીઓના ગડગડાટ કરાવતી એક છ્ટાકાર પ્રવક્તા યુવતિ અને અનેક છાપાંઓ અને માસિકોમાં સ્ત્રીઓ વિષેના ખાસ લેખકોમાંની એક નામાંકિત લેખીકાનાં લગ્ન એક કરોડપતિ નબીરા સાથે એનાં મા-બાપે પરાણે કરાવી નાખ્યાં. આઝાદ પંખીડાંની માફક હરતી-ફરતી કામીની લગ્ન બંધનમાં આવી. મોટા ભાગનો સમય રસોઇ-નાસ્તા અને મહેમાનોની આગતા-સાગતામાં જતો. રોજ એકાદ ઘરે બેસવા જ્વાનું થતું. કયારેક પાર્ટીઓમાં જવાનું પણ થાય. ફુરસદના સમયે ટી.વી. જોવનું. સાસુ સાથે શોપીંગ જવાનું પણ થાય.
થોડા દિવસો કામીની આ નવાં વાતાવરણમાં સેટ થવાની કોશીષમાં રહી પણ અનેક પ્રયત્ને પણ એ સાસરાના વાતાવરણમાં સ્થાયી ન થઇ શકી. ગૃહસ્થી-જીવનમાં એને કોઇ દિલચશ્પી જણાઇ નહી. રોજીંદા રસોઇ-કામ, મહેમાનોનો કાફલો, પાર્ટીઓના ભપકા, અલક-મલકનું શોપીંગ એને કંટાળાજનક લાગ્યું. સાસુ-સસરાનો પ્રેમાળ સ્વભાવનો એ લગીરે પણ સદપયોગ ન કરી શકી.સમજુ અને શાંત સ્વભાવના પતિ સાથે પણ એ ખભે ખભા મીલાવી શકી નહિ અને આકર્ષક વ્યક્તિત્વ ધરાવતા રંગીન સ્વભાવના પતિની શારિરીક જરૂરિયાત પણ પુરી કરવામાં એ નાકામયાબ નિવડી.
અને એ અંદરોઅંદર મૂંઝાવવા લાગી. એના મનનો બળાપો એણે કોઇની સમક્ષ પણ ઠાલવ્યો નહિ. એના પતિના વારેઘડીએના પૂછ્પરછમાં પણ એ પોતાનું હૈયું ઠાલવી શકી નહિ. એની સાસુજીએ કામીનીની મૂંઝવણનો તાગ કાઢવાની ઘણી કોશીષ કરી પણ કોઇ સૂર ન મળ્યો. મૂંઝવણ વધતી ગઇ અને કામીનીનાં શરીરે માંદગીનાં ચિન્હો બહાર આવ્યાં.
કામીનીનાં લગ્ન એક ધનાઢ્ય, સંસ્કારી અને સભ્ય પરિવારમાં થયાં હોવા છ્તાંય એ એનાં મા-બાપની યોગ્ય પસંદગીની એ કદર કરી ન શકી. એને લગ્ન કરવાની હાલઘડીએ કોઇ ઇચ્છા જ નહોતી. એ પોતાનાં સામાજીક કાર્યો, જાહેર પ્રવચનો, પ્રોફેસર તરીકેની કાર્યવાહી અને મહિલા સબંધી કાર્યોમાં એટલી બધી લીન હતી કે સંસાર માંડવાનો એને વિચાર શુદ્વાં પણ કર્યો નહોતો. એની ઇચ્છા આજથી પાંચ વરસ પછી ઘરસંસાર માંડવાનો વિચાર કરવાની હતી, અત્યારેતો નહિં જ.
આદર્શ કુટુંબમાં કુળવધુ તરીકે સ્થાયી થવાની એણે ઘણી મથામણ કરી પણ બદલાયેલાં વાતાવરણમાં એ પોતાનાં જુનાં મનપસંદ જીવનને ગૂંગળાતું જોઇ ન શકી. માતૃસમાન સાસુજી, પ્રેમાળ પતિ અને આદરણિય સસરાનાં પ્રેમાળ વર્તનને એ ન્યાય ન આપી શકી અને આવાં સજ્જન પરિવારને મૂંઝવણમાં મૂકવા બદલ એ પોતાની જાતને દોષીત માનવા લાગી. હજાર કોશીષે પણ એ પોતાની મહત્વકાંક્ષાને દબાવી શકી નહિ. ખુલ્લાં આકાશમાં પોતાના કાર્યમાં રચ્યાં-પચ્યાં પક્ષીની પિંજરામાં પુરાયા પછીની જે હાલત થાય એવી કામીનીને થઇ. સોનાનું પીંજરૂ ભલે હોય, મનગમતું ખાવાનું ભલે મળે, વાતાવરણ ગમે તેટલું સારૂં હોય પણ એ પોતાની જાતને બંદીવાન સમજવા લાગી.
અને મારૂં આ સંશોધન મેં સાસુ પાનીબેન, સસરા રમણલાલ અને પતિ મુકેશચંદ્ર સમક્ષ રજુ કર્યું અને એનો સચોટ ઊપચાર પણ દેખાડ્યો અને સમજુ પરિવારે કોઇપણ જાતની દલિલ કે આનાકાની વગર કામીનીને રોગ-મુક્ત કરવા માટે મારો ખાસ ઊપચાર સ્વીકાર્યો.
મોટી સંખ્યા ધરાવતાં કોલાબા મહિલા મંડળના કરોબારી સભ્યોએ કામીનીની મુલાકાત લીધી અને કમીટીમાં સેવા આપવાનો પ્રસ્તાવ મૂક્યો. નરીમાન પોઇન્ટની મશહુર વેલફેર સોસાયટીમાં કામીનીને લાઇફ ગવર્નર બનાવવામાં આવી.મહિલા માટેનાં ખાસ મેગેઝીનના તંત્રીશ્રીઓએ કામીનીને એનાં જુનાં લેખનકાર્યને બીરદાવીને ખાસ કોલમ માટે આમંત્રણ પાઠવ્યું, કોલેજોમાં કામિની માટે ખાસ લેકચરો ગોઠવવામાં આવ્યાં અને કામીની ઘર કરી ગયેલી બિમારીમાં ગજબ સુધારો સળવળવા લાગ્યો.ચહેરા પર કંઇ આશામય ચિન્હો આંખમીચોલાં કરી ગયા. એનામાં ઉત્સાહ અને ઉમંગની જાણે કે પાંખો ફૂટી.
પલંગમાં ઢોલીઆના ટેકે બેસીને છાપાં અને મેગેઝીન વાંચતી કામીનીને જોઇને પતિ મુકેશને નવાઇ લાગી. સાસુજીને કંઇક રાહત થઇ અને સસરાજીને મારામાં પુરતી શ્રદ્વા બંધાઇ. સામાન્ય દવાઓ ચાલુ રખાવી હતી અને થોડા દિવસોમાં કામીની ઘરમાં જાતે હરફર કરવા માંડી. વાંચન, ટી.વી. અને ટેલીફોનમાં રચીપચી કામીનીએ એકાદ બે લેખો પણ લખી નાખ્યા. અને અન્ય ડ્રાફટ કરી રાખ્યા.
કામીની થોડીઘણી ફરતી થઇ એટલે અપંગ બાળકોની સંસ્થામાં પ્રમુખ સ્થાને બેસીને બે શબ્દો બોલીને એણે પોતાનામાં ગૂંગળાતી જીવન કથાને જાગૃત કરી.
પાનીબેને નિરાંતનો શ્વાસ લીધો. ભગવાનની રાખેલી માન્યતાઓ પૂરી કરી. અનાથ બાળકોને પકવાન જમાડીને વસ્ત્રદાન કર્યું. પાંજરાપોળમાં સતત ત્રણ મહિના માટે ચારો નખાવ્યો. વૃદ્વાશ્રમમાં મોટી રકમનું દાન આપ્યું. મંદિરોમાં ભગવાનને કિંમતી વાઘા પહેરાવ્યા. કોલાબા હાઇસ્કુલમાં કામીનીના નામે એક નવો રૂમ બંધાવી આપ્યો. દવા વગર માંદલી સેવા આપતી કોલાબા વિસ્તારની હોસ્પીટલમાં જરૂરી સહાયતા કરીને દવાનો પુરતો જથ્થો આપવાનું ચાલુ કર્યું. અને હોંશે હોંશે ઘરનું સઘળુ કામકાજ ઉપાડીને સાસુજીનો બોજ હળવો કરતી કામીની કોલાબા વિસ્તારની લોકપ્રિય સેવાભાવી કાર્યકર બની ગઇ.
અને સમય આવતા મોટી મોટી સભાઓ ગજાવતી કામીની વોર્ડની બીનહરીફ કાઉન્સીલર બની. એનો સંસાર મહેંકતા બગીચા જેવો સુગંધીત બન્યો. પતિ સાથેનું જીવન જાણે કે સ્વર્ગીય વાતાવરણ. આંગણે રૂપકડું બાળક રમવા માંડ્યું. સાસુ-સસરાની સેવામાં કામીનીએ કંઇ જ બાકી ન રાખ્યું. એની નણંદોના જીવનમાં એણે અદભૂત તાજગી વેરી. એના દેવરને સારા ઠેકાણે પરણાવીને શુશીલ, સંસ્કારી અને રૂપાળી દેવરાણીને ઘરનો અન્ય કારભાર સોંપ્યો. પાનીબાઇને દેવ-દર્શને લઇ જવાં, ભજન-કીર્તન કાર્યક્રમમાં લઇ જવાં, વડીલ રમણલાલની જરૂરીયાતો વગર માગ્યે પુરી થવા માંડી. પ્રેમાળ સાસુ-સસરાએ જીવતાં-જાગતાં સ્વર્ગીય વાતાવરણનો અનુભવ મેળવ્યો.
અને કોલાબા વિસ્તારમાં મારી નાનકડી ક્લીનીકે હોસ્પીટલમાં રૂપાંતર કર્યું. અને તમામ સુવિધાઓ સજ્જ હોસ્પીટલનાં ટ્રસ્ટીમંડળ રમણલાલ શેઠ પરિવારની મુખ્યટ્ર્સ્ટી કામીનીદેવી બન્યાં.
No Comment