Input Content

રામાભાઇની બાર વર્ષની બેબીને આજે છેલ્લાં ચાર વરસથી આંચકીની બિમારી. ઘણીવાર શાળામાં પણ આંચકીનો હુમલો આવે. આંખો ચડાવી જાય, શરીર ઠંડું પડી જાય, હોસ્પીટલમાં દાખલ કરવી પડે અને બહાર આવ્યા પછી ઘણી અશક્તિ વરતાય, બેબીને ક્યારેય રેઢી ન મૂકાય. આંચકીનો કોઇ સમય નહોતો. થોડો અણસાર આવે પણ થોડું બારીકાઇથી ધ્યાન રાખ્યું હોય તો જ ખબર પડે. અગમચેતી વાપરી હોય તો થોડી ઓછી તકલીફ પડે.

આંચકીના ત્રાસે કેતકી ભણવામાં પણ બહુ પાછળ, યાદશક્તિ નબળી અને કંઇક સ્વભાવ પણ ગભરૂ. છોકરી આમને આમ જો પૂખ્ત વયની થઇ જાય તો ઘણા સામાજીક પ્રશ્નો ઉભા થાય. જેથી રામાભાઇને કેતકીની ચિંતા કોતરી ખાય.

દવા તો ઘણી કરાવી પણ કોઇ દવાએ જોઇએ તેવી અસર બતાવી નહી. દેશી હુડકા કરી જોયા, તાવીજ મંત્રાવી બંધાવી જોયા, માનતાઓ પણ રાખી, દાન-પૂણ્ય કરવામાં પણ બાકી ન રાખ્યું, અમુક ફકીરોના પીંછા પણ ફેરવી જોયા, દિકરીને કોઇપણ ઉપચારે મટી જતું હોય તો એ આશાએ ઘણાંય દેવ-દેવીઓને પગે પડાવી.

કેતકીને લઇને જયારે શ્રીજી ક્લીનીકમાં આવ્યા ત્યારે એમનો ચહેરો અને કેતકીની માનસીક દશા જોઇને મને કરુણા ઉપજી.

કેતકીને જ્યારે આઠ વર્ષની થઇ ત્યારે એમને કમળો થયેલો. કમળાની સારવાર પૂરી થયે એને લકવા થયેલો અને લકવાની સારવાર પુરી થતાં આંચકીની શરૂઆત થયેલી. કમળા અને લકવાની સારવાર કરનાર દાક્તરો પાસે લાંબો કોર્સ કરાવ્યો પણ આંચકી ખસકી નહિ. આંચકીનું પ્રમાણ અને હુમલાઓ  કયારેક ઓછા થતાં પણ થોડી દવામાં કસર જણાતા પાછુ એનું એજ.

કેતકીના લોહી-પેશાબ અને ઝાડાના રીપોર્ટ કઢાવ્યા. E.S.R. બહુ વધારે, પેશામાં આલબુમીનની સંખ્યા પણ ઘણી,સંડાશમાં કરમિયાં, હેમોગ્રામમાં રીપોર્ટમાં R.B.C.સાડા આઠ અને W.B.C.પંદર હજાર, B.P. 70-40, પલ્સ 110, અશક્તિ, રોગપ્રતિકારક શક્તિ નબળી, ઓછું પ્રેસાર, કીડનીની નબળાઇ. આ બધા અગાઉ કરવામાં આવેલા ઉપચારની આડ અસર હતી.

કેતકી જ્યાં સુધી આઠ વર્ષની હતી ત્યાં સુધી બરાબર હતી. કોઇપણ કારણસર કમળો થતા એના શરીરમાં કમજોરી પ્રવેશ પામી. કમળો મટ્યો પણ ઉપચારની આડ અસરથી લકવો થયો. લકવો મટ્યો પણ આંચકીને ઘુસાડી ગયો.

ઉપચાર સમજણ પૂર્વક કરવાનો હતો. પરેજી આમાં અગત્યનો ભાગ ભજવી શકે એમ હતી. જેથી રામાભાઇની સાથે સાથે એમના ધર્મપત્ની રમાગૌરીને પણ ક્લીનીકમાં બોલાવ્યાં.

ખાટુ, તીખું, તરેલું અને બહુ જ મસાલેદાર ખાવનું બંધ કરાવ્યું. આટલી નાની છોકરીને સખ્ત પરેજીમાં મુકવાની મારી ઇચ્છા ન હોવા છતાંય આ ઉપચારમાં પરેજી અગત્યની હતી. બટેટા, કોબી, ગોવાર તેમજ મગ સિવાયના તમામ કઠોળ બંધ કરાવ્યાં., પીપરમેન્ટ, ચોકલેટ, પેપ્સી, ક્રીમવાળા બિસ્કીટ,ચ્વીંગમ પણ બંધ,ચાસણીવાળા અને ચીકણા પદાર્થો પણ બિલકુલ નહિ લેવાના.

સાદો સાત્વીક ખોરાક લેવાનો,પેટ સાફ રાખવાનું, ગેસ ન થાય એની તકેદારી રાખવાની, મગજ ઊશ્કેરાય એવાં વાતાવરણથી દુર રહેવાનું, કેતકીને ઘરમાં દરેક સભ્યોએ પ્રેમથી બોલાવવાની, વઢવાનું નહિ, શાળામાં પણ શિક્ષકને ભલામણ કરાવી કે કેતકી પ્રત્યે પ્રેમાળ વર્તન રાખવું. સરખાં બાલ-મિત્રો જોડે  જીભા-જોડી ન થાય એની તકેદારી રાખવાની.

પગના તળિયે નિત્ય સવાર-સાંજ તાજાં માખણની માલીસ કરવી, માથામાં આમળાની બનાવટનું તેલ વાપરવાનું, આખા શરીરે તલના તેલની માલીસ કરીને ઘર્ષણનું સ્નાન કરવાનું.

નિત્યે એરંડ-તેલની એનીમા આપવી, પેટ પર દિવેલ સાથે હીંગનો ગરમ લેપ કરવો. દ્રવ્યમાં લક્ષ્મી-નારાયણ રસની એક એક ગોળી મધ સાથે ત્રણ વખત આપવાની, અશ્વગંધાશ્રિષ્ટ એક એક ચમચી એટલાં જ પાણી સાથે દિવસમાં ત્રણ વખત, એકાંગવીર રસની એક એક ગોળી અભ્યારિષ્ટ બે ચમચી સાથે દિવસમાં ત્રણ વખત.

બે મહિના સુધી કેતકીને આંચકીનો કોઇ જ હુમલો આવ્યો નહિ. પરેજી ચાલુ, બીજા ઉપચારપણ ચાલું, દવાનું પ્રમાણ ઘટાડવામાં આવ્યું, લક્ષ્મીનારાયણ રસની એક ગોળી અશ્વગંધારિષ્ટ સાથે દિવસમાં બે વખત, એકાંગવીર રસનું પ્રમાણ પણ બે વખત માટે. બીજા બે મહિના સુધી પણ આંચકીનો કોઇ અણસાર ન જણાતાં દવા બંધ. બાકીના ઉપચાર અને પરેજી ચાલુ. ત્યાર પછી કેતકીને કોઇ દિવસ આંચકીનો દોરો પડયો નથી. એના બધાય રિપોર્ટસ નોર્મલ હતા.

No Comment

Comments are closed.